KKR મેનેજમેન્ટના ખોટા નિર્ણયોનો ભોગ બન્યો રિંકુ સિંહ? આત્મવિશ્વાસ તૂટતા રિંકુ મેદાન પર જ રડી પડ્યો!
આઈપીએલ 2026માં રિંકુ સિંહ જેવો વિસ્ફોટક બેટ્સમેન પોતાની જૂની લય શોધવા માટે ફાંફા મારી રહ્યો છે. આ સીઝનમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં રિંકુના બેટથી માત્ર 79 રન જ નીકળ્યા છે. શુક્રવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જ્યારે ટીમને રિંકુની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તે માત્ર 2 બોલ રમીને 1 રન બનાવી આઉટ થઈ ગયો. પરંતુ રિંકુના આ ખરાબ ફોર્મ કરતા પણ વધુ ચર્ચા તેના પ્રત્યે મેનેજમેન્ટના વલણની થઈ રહી છે.
સાતમા નંબરે બેટિંગ: શું રિંકુ પરનો ભરોસો ઉઠી ગયો છે?
ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં KKR ના બેટિંગ ક્રમમાં જે ફેરફાર જોવા મળ્યા તેણે સૌને ચોંકાવી દીધા. ટીમના ઉપ-કેપ્ટન અને સ્થાપિત બેટ્સમેન રિંકુ સિંહ કરતા પહેલા મેનેજમેન્ટે અનુકુલ રોયને બેટિંગમાં મોકલ્યો. રિંકુને છેક સાતમા નંબરે બેટિંગ કરવા માટે ઉતારવામાં આવ્યો. આ નિર્ણયની કડવી ટીકા કરતા ભારતની પૂર્વ બેટ્સમેન મનોજ તિવારીએ જણાવ્યું કે, “જ્યારે કોઈ ખેલાડી ખરાબ ફોર્મમાં હોય ત્યારે તેને ઉપરના ક્રમે મોકલી તેનો આત્મવિશ્વાસ વધારવાનો હોય, નહીં કે તેને વધુ નીચે ધકેલી દેવાનો.”
“રિંકુ અંદરથી પૂરેપૂરો તૂટી ગયો હતો”
મનોજ તિવારીએ ક્રિકબઝ પર વાત કરતા એક ખૂબ જ ભાવુક વાત કહી. તેમણે કહ્યું કે, “જ્યારે રિંકુ આઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે તેના ચહેરા પરની લાચારી સ્પષ્ટ દેખાતી હતી. તે અંદરથી પૂરેપૂરો તૂટી ગયો હતો. તેને એ વાતનો અહેસાસ હતો કે જે ટીમને તેણે લોહી-પરસેવો પાડીને સીઝન દર સીઝન જીતાડી છે, તે જ મેનેજમેન્ટને અત્યારે તેના પર ભરોસો નથી. અનુકુલ રોયને તેના કરતા ઉપર મોકલવો એ રિંકુ માટે અપમાન સમાન હતું.”
તિવારીએ વધુમાં ઉમેર્યું કે, જો KKR આ રીતે જ પોતાના મુખ્ય ખેલાડીઓનું મનોબળ તોડતી રહેશે, તો તે પોઈન્ટ ટેબલમાં હંમેશા છેલ્લા સ્થાને જ જોવા મળશે.
વિજય વિહોણી KKR: ઇતિહાસની સૌથી ખરાબ શરૂઆત
ત્રણ વખતની ચેમ્પિયન ટીમ માટે આ સીઝન કોઈ કાળા ડાઘ સમાન છે. છ મેચ રમી હોવા છતાં ટીમ હજુ પણ એક જીત માટે તલસી રહી છે. 6 મેચમાં માત્ર 1 પોઈન્ટ (વરસાદને કારણે) સાથે KKR ટેબલમાં સૌથી નીચે છે. મનોજ તિવારીના મતે, આ માત્ર ઈજાઓનો પ્રશ્ન નથી, પણ ટીમનું વાતાવરણ અને કોમ્બિનેશન પણ વેરવિખેર થઈ ગયું છે.
તેમણે કહ્યું, “KKR ના ચાહકોએ ત્રણ ટાઈટલ જોયા છે. આ વર્ષે ભલે મુખ્ય બોલરો ઈજાગ્રસ્ત થયા હોય, પણ ટીમ પાસે હજુ પણ એવી તાકાત છે કે તે જીતી શકે. પરંતુ ક્યાંક તો કંઈક ગરબડ છે – કાં તો ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ઠીક નથી અથવા તો નિર્ણયો લેવામાં કોઈની દખલગીરી નડી રહી છે.”
શું રાજસ્થાન સામે વાપસી શક્ય છે?
KKR નો હવે પછીનો મુકાબલો રવિવાર, 19 એપ્રિલના રોજ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર રાજસ્થાન રોયલ્સ સામે છે. આ મેચમાં જો રિંકુ સિંહને ફરીથી તેની યોગ્ય જગ્યાએ બેટિંગ કરવાની તક આપવામાં આવે અને ટીમ તેને સપોર્ટ કરે, તો કદાચ તે ફરીથી પોતાનો જૂનો અંદાજ બતાવી શકે છે.
જો મેનેજમેન્ટ પોતાના ‘પ્રીતિકર’ પ્રયોગો ચાલુ રાખશે, તો માત્ર રિંકુ જ નહીં પણ આખી ટીમનો આત્મવિશ્વાસ પાતાળમાં જતો રહેશે. કોલકાતાના ફેન્સ અત્યારે સોશિયલ મીડિયા પર રિંકુના સમર્થનમાં અને મેનેજમેન્ટના વિરોધમાં કેમ્પેઈન ચલાવી રહ્યા છે.

