કૃષ્ણના ઉત્સવ જેવી લાગણી જગાવતી અનોખી ફિલ્મી સફળતા
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલી વાર એવી ફિલ્મ સામે આવી છે જેણે પોતાના નામથી જ દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી લાવ્યા છે. ‘લાલો – શ્રી કૃષ્ણ સદા સહાયતે’ નામની આ ફિલ્મે લોકપ્રિયતામાં અનોખો ધમાકો મચાવ્યો છે. ગોંડલના ગુંદાળા રોડ પર સ્થિત ઓસ્ટોન સિનેમામાં ફિલ્મની ટીમે અચાનક મુલાકાત લેતા દર્શકોમાં આનંદ અને આશ્ચર્ય ફેલાયું. કલાકારોને જોઈને લોકોને તેમની સાથે વાતચીત અને ફોટા લેવા ઉત્સાહભેર ભીડ એકત્ર થઈ હતી.
ઓસ્ટોન સિનેમામાં ત્રણ સ્ક્રીન પર 12 શો, બધા હાઉસફૂલ
ફિલ્મના દિગ્દર્શક અંકિત સખિયાએ પોતાની ટીમ સાથે સિનેમાઘરમાં હાજર રહી દર્શકોનો પ્રતિભાવ સાંભળ્યો. દર્શકો દ્વારા મળેલ પ્રેમ અને વધામણીએ આખી ટીમ ગૌરવ અનુભવી રહી છે. હાલ ગોંડલના ઓસ્ટોન સિનેમામાં એક સાથે ત્રણ સ્ક્રીન પર ફિલ્મ ચાલી રહી છે અને દિવસ દરમિયાન 12 જેટલા શો ભરાઈ રહ્યા છે. સતત હાઉસફૂલ શોથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મને મળતો લોકપ્રેમ અસાધારણ છે અને દરેક ઉંમરના દર્શકો ઉત્સાહપૂર્વક ફિલ્મ જોવા આવી રહ્યા છે.
સવા બે વર્ષના પ્રયત્નો બાદ તૈયાર થયેલી ફિલ્મ
દિગ્દર્શક અંકિત સખિયાએ જણાવ્યું કે ફિલ્મની વાર્તા સામાન્ય માણસના હૃદયને જોડે એવી છે. જો આજના સમયમાં પ્રભુ મળવા આવે તો શું કહે—તે ભાવના આ ફિલ્મમાં અનુભવી શકાય છે. જુનાગઢ, ભાલકા, દ્વારકા અને સોમનાથ જેવા સૌરાષ્ટ્રના પ્રખ્યાત સ્થળોએ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. લખાણથી લઈને રિલીઝ સુધીમાં લગભગ સવા બે વર્ષનો સમય લાગ્યો છે. દિગ્દર્શકનું કહેવું છે કે મોટી સ્ક્રીન પર આ ફિલ્મ જોવાનો અનુભવ જ કંઈક અલગ છે.
“સાચા દિગ્દર્શક તો કાળીયો ઠાકર” – અંકિત સખિયા
ફિલ્મની સફળતા અંગે પ્રતિભાવ આપતા અંકિત સખિયાએ નમ્રતા સાથે જણાવ્યું કે તેઓ તો માત્ર સાધન છે, જ્યારે સાચા માર્ગદર્શક કાળીયો ઠાકર છે. તેમની ઈચ્છા ફિલ્મની કમાણી કરતાં વધારે તેને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાની છે. કૃષ્ણનો રોલ ભજવનાર અભિનેતા શ્રૃહાદ ગોસ્વામીએ પણ દર્શકોનું સ્નેહભર્યું સ્વાગત પોતાનું સૌભાગ્ય ગણાવ્યું. ઘણાં પરિવારો વર્ષો બાદ મળીને ફિલ્મ જોવા આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું.
દર્શકો સિનેમાઘરમાં રાસ રમે છે, ‘કૃષ્ણનો ઉત્સવ’ પ્રમોશન ટૂર ચર્ચામાં
ફિલ્મના લોકપ્રિય ગીત ‘દ્વારિકાનો નાથ મારા રાજા રણછોડ છે’ પર અનેક સિનેમાઘરોમાં દર્શકો રાસ રમતા જોવા મળે છે. આ દૃશ્યો જોઈને ટીમમાં ઉમંગ છવાઈ ગયો છે. ફિલ્મના પ્રમોશન ટૂરને ‘કૃષ્ણનો ઉત્સવ’ નામ આપવામાં આવ્યું છે અને જ્યાં-જ્યાં ટીમ જાય છે, ત્યાં દર્શકોનો ઉત્સાહ અદભૂત જોવા મળે છે. ટીમનું કહેવું છે કે કૃષ્ણ જ આ ફિલ્મ ચલાવી રહ્યા છે અને આગળનો ભાગ બનશે કે કેમ તે પણ પ્રભુની ઈચ્છા પર નિર્ભર છે.

