ક્રૂડ ઓઇલ $100 ને પાર, છતાં આજે ટાંકી પુરાવવી કેટલી મોંઘી પડશે? જાણો તમારા શહેરના ભાવ
અઠવાડિયાના બીજા દિવસે, મંગળવાર, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના દરો અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા સતત વધારા છતાં, ભારતની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ સ્થાનિક સ્તરે ઇંધણના ભાવમાં કોઈ જ ફેરફાર ન કરીને ભાવ સ્થિર રાખ્યા છે.
હાલ વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની ઉપર પહોંચી ગયો છે. આમ છતાં, સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધો બોજ ન પડે તે માટે ઓઇલ કંપનીઓએ ભાવ વધારવાનું હાલ પૂરતું ટાળ્યું છે.
દેશના મુખ્ય શહેરોમાં ઇંધણનો વર્તમાન ભાવ
દેશના પાટનગર દિલ્હીમાં આજે પેટ્રોલ ૧૦૨.૧૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૯૫.૨૦ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. આર્થિક પાટનગર મુંબઈમાં પેટ્રોલનો દર ૧૧૧.૩૧ રૂપિયા અને ડીઝલનો દર ૯૭.૯૭ રૂપિયા પ્રતિ લિટર નોંધાયો છે.
ગુજરાતના વડોદરા શહેરમાં પેટ્રોલ ૧૦૧.૪૬ રૂપિયા અને ડીઝલ ૯૭.૫૦ રૂપિયા પ્રતિ લિટરના સ્તરે યથાવત રહ્યું છે. જ્યારે દક્ષિણ ભારતના મુખ્ય શહેર ચેન્નાઈમાં પેટ્રોલ ૧૦૭.૭૮ રૂપિયા અને ડીઝલ ૯૯.૫૬ રૂપિયા પ્રતિ લિટર છે.
ઉત્તર ભારતમાં, પંજાબના લુધિયાણામાં પેટ્રોલ ૧૦૫.૬૦ રૂપિયા અને ડીઝલ ૯૪.૮૦ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, જ્યારે અમૃતસરમાં પેટ્રોલ ૧૦૫.૫૬ રૂપિયા અને ડીઝલ ૯૬.૨૦ રૂપિયા છે. બિહારના પટનામાં પેટ્રોલ ૧૧૩.૩૫ રૂપિયા અને ડીઝલ ૯૯.૩૬ રૂપિયા પ્રતિ લિટરના દરે સ્થિર છે.

મહારાષ્ટ્રના નાસિકમાં પેટ્રોલનો ભાવ ૧૧૨.૪૬ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૮.૨૦ રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય મધ્ય પ્રદેશના ભોપાલમાં પેટ્રોલ ૧૧૫.૪૧ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૪૭ રૂપિયા પ્રતિ લિટરના ઊંચા સ્તરે વેચાઈ રહ્યું છે, જે દેશમાં ઇંધણના સૌથી વધુ દર ધરાવતા શહેરોમાંથી એક છે.
ઓઇલ કંપનીઓ ભારે નુકસાન સહન કરી રહી છે
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને મધ્ય પૂર્વ (Middle East) માં ઊભા થયેલા જીઓપોલિટિકલ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ડીઝલનો બેન્ચમાર્ક રેટ પ્રતિ બેરલ ૧૬૭.૦૮ ડોલરની ચાર મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા દર અને સ્થાનિક સ્તરે સ્થિર રેટ્સના કારણે તેલ કંપનીઓના નફા પર મોટો ફટકો પડ્યો છે. હાલમાં ઓઇલ કંપનીઓ સ્થાનિક બજારમાં ડીઝલના વેચાણ પર પ્રતિ લિટર આશરે ૨૦ રૂપિયાનું મોટું નુકસાન ભોગવી રહી છે. તે જ રીતે, પેટ્રોલના વેચાણ પર પણ કંપનીઓને પ્રતિ લિટર લગભગ ૫ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આમ છતાં, સામાન્ય જનતાને મોંઘવારીમાંથી બચાવવા માટે કંપનીઓએ હાલ પુરતો ભાવવધારો અટકાવી રાખ્યો છે.

ભવિષ્યમાં મોંઘવારી વધવાની શક્યતા
આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આ જ રીતે ઊંચા રહેશે, તો આગામી દિવસોમાં ઓઇલ કંપનીઓ માટે સ્થાનિક ભાવ સ્થિર રાખવું મુશ્કેલ બનશે અને ગ્રાહકો માટે પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ શકે છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) ના એક સંશોધન અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ ૧૦ ડોલરનો વધારો થાય, તો તેનાથી દેશના મુખ્ય ફુગાવામાં (Core Inflation) આશરે ૪૯ બેસિસ પોઈન્ટનો ઉછાળો આવી શકે છે. ઇંધણ મોંઘું થવાથી માલસામાનના પરિવહન ખર્ચ (Transport Cost) માં સીધો વધારો થશે, જેના લીધે દૂધ, ફળો, શાકભાજી અને અન્ય રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધશે અને સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ શકે છે.
