સિરોસિસ અને ફાઇબ્રોસિસથી બચવું હોય તો સાવચેત થાઓ: ફેટી લીવર ક્યારે વધુ ગંભીર બને છે?
આજના આધુનિક યુગમાં ખરાબ ખાણી-પીણી, નિષ્ક્રિય જીવનશૈલી અને વધતા વજનના કારણે ‘ફેટી લીવર’ (Fatty Liver) ની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને ફેટી લીવરનું નિદાન થાય છે, ત્યારે તેમના મનમાં સૌથી પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું લીવરમાં જમા થયેલી આ વધારાની ચરબી દૂર થઈ શકે? શું લીવર ફરીથી પોતાના મૂળ કદ અને ક્ષમતામાં પાછું આવી શકે? આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો ફેટી લીવરની ઓળખ પ્રારંભિક તબક્કામાં થઈ જાય અને તેના મૂળ કારણોને દૂર કરવામાં આવે, તો લીવરને સંપૂર્ણપણે સ્વસ્થ કરી શકાય છે.
આ અંગે ગ્લેનીગલ્સ હોસ્પિટલ (પરેલ) ના હેપેટોલોજી વિભાગના ડિરેક્ટર ડૉ. અમીત મંડોટ જણાવે છે કે, લીવરમાં વધારાની ચરબી ઘટાડવાથી તે તેના સામાન્ય કદ અને કાર્યક્ષમતામાં પાછું ફરી શકે છે. વજન નિયંત્રણ, પૌષ્ટિક આહાર અને નિયમિત શારીરિક કસરત જેવા જીવનશૈલીમાં ફેરફારો દર્દી માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થાય છે.
સુધારાની શક્યતા અને રોકાઈ ગયેલી રિકવરીના કારણો
ડૉ. મંડોટના અનુસાર, ફેટી લીવરમાંથી સાજા થવાની પ્રક્રિયા દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોય છે. તે એ વાત પર આધાર રાખે છે કે લીવરની બીમારી કેટલી ગંભીર છે અને શરીરમાં અન્ય કોઈ જટિલતાઓ (Complications) પહેલેથી હાજર છે કે નહીં. લીવરમાં ચરબીનું પ્રમાણ, બળતરા (Inflammation) અથવા ફાઇબ્રોસિસ (Fibrosis) ની હાજરી, શરીરનું એકંદર વજન અને મેટાબોલિક હેલ્થ આ તમામ બાબતો રિકવરીની સ્પીડ નક્કી કરે છે.
ટાઇપ-૨ ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ અને ઇન્સ્યુલિન પ્રતિકાર (Insulin Resistance) જેવી પરિસ્થિતિઓ પણ લીવરમાં ચરબી જમા કરવામાં મોટો ભાગ ભજવે છે. આ સિવાય ધૂમ્રપાન (Smoking), કેટલીક ચોક્કસ દવાઓનો વધુ પડતો ઉપયોગ અને દારૂનું સેવન પણ લીવરના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ તમામ મૂળ કારણોને નિયંત્રિત કરવાથી લીવરને વધુ નુકસાન થતું અટકાવી શકાય છે.
વજન ઘટાડવું કેટલું ફાયદાકારક છે?
જે લોકો વધારે વજન ધરાવે છે અથવા મેદસ્વી છે, તેમના માટે શરીરનું થોડું વજન ઘટાડવું પણ લીવરની ચરબી ઓછી કરવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે. જો કોઈ વ્યક્તિ પોતાના શરીરના કુલ વજનમાંથી માત્ર ૫ ટકા જેટલું પણ વજન ઘટાડે છે, તો લીવરની ચરબીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. વજનમાં વધુ ઘટાડો કરવાથી લીવરને વધારાના ફાયદા થાય છે.
જોકે, નિષ્ણાતો ક્રેશ ડાયેટ કે અચાનક ખૂબ ઝડપથી વજન ઘટાડવાની સલાહ આપતા નથી. વજન ઘટાડવાની પ્રક્રિયા ધીમી અને સતત હોવી જોઈએ, જે યોગ્ય આહાર અને દૈનિક કસરત દ્વારા પ્રાપ્ત થાય. વજન ઘટાડવાના લક્ષ્યો દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય અને ડૉક્ટરની સલાહ મુજબ નક્કી કરવા જોઈએ.
આહાર અને વર્કઆઉટથી લીવર ફેટીમાંથી નોર્મલ બનશે
ચરબીયુક્ત લીવરને નિયંત્રિત કરવામાં યોગ્ય આહાર અને વર્કઆઉટ સૌથી મહત્વપૂર્ણ ભમિકા ભજવે છે. શુગરવાળા પીણાં, મેંદો, શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આહારમાંથી ઘટાડીને સંતુલિત અને ફાઇબરયુક્ત ખોરાક લેવાથી લીવરની ચરબી ઘટે છે.
આ સાથે એરોબિક કસરત (જેમ કે ઝડપથી ચાલવું, રનિંગ, સ્વિમિંગ) અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ નિયમિત કરવાથી, વજનમાં મોટો ફેરફાર ન થાય તો પણ લીવર અને મેટાબોલિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું પણ એટલું જ જરૂરી છે.
કેટલો સમય લાગે છે અને લીવર સાઈઝનું સત્ય શું છે?
જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર કર્યા પછી કેટલાક અઠવાડિયાથી લઈને મહિનાઓની અંદર લીવર હેલ્થમાં સુધારો દેખાવા લાગે છે. પરંતુ લીવરનું સાઈઝ ઘટે તે પહેલાં પણ તેના કોષોમાંથી ચરબીનું સ્તર ઘટવાનું શરૂ થઈ જાય છે. આ ફેરફારો સતત મૂલ્યાંકન અને બ્લડ ટેસ્ટ દ્વારા જ જાણી શકાય છે.
એક મહત્વની બાબત એ છે કે ફેટી લીવર હોય એટલે લીવરનું કદ હંમેશા મોટું જ થાય તેવું જરૂરી નથી. કેટલાક લોકોનું લીવર સામાન્ય સાઈઝનું હોવા છતાં તેના કોષોમાં ચરબીનું પ્રમાણ વધુ હોઈ શકે છે. તેથી કેવળ લીવરનું કદ જોઈને ફેટી લીવર નથી તેમ માની લેવું ભૂલભરેલું છે. ડૉક્ટરો સ્કેનિંગ (Ultrasound/FibroScan) અને બ્લડ ટેસ્ટના સમન્વયથી લીવરની સાચી સ્થિતિ નક્કી કરે છે.
જ્યારે ફેટી લીવર ગંભીર બને છે: સિરોસિસનો ખતરો
જ્યારે લીવરમાં જમા થયેલી ચરબીની સાથે લીવરના કોષોમાં સોજો અને બળતરા ઉત્પન્ન થાય છે, ત્યારે આ પરિસ્થિતિ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. સતત રહેતી બળતરા સમય જતાં ‘ફાઇબ્રોસિસ’ (ડાઘ પડવા) તરફ દોરી જાય છે. જો આ તબક્કે પણ ધ્યાન આપવામાં ન આવે, તો આગળ જતાં તે ‘સિરોસિસ’ (Cirrhosis) માં પરિણમી શકે છે, જે લીવર ફેલ્યોરનું કારણ બને છે.
તેથી, સમયસર તબીબી તપાસ, જીવનશૈલીમાં સુધારો અને પ્રારંભિક કાળજી લેવાથી ફેટી લીવરને સંપૂર્ણપણે નવો અવતાર આપી શકાય છે.
