ભાજપ સરકારમાં બિહારી હોવું એ જ સૌથી મોટો ગુનો… તેજસ્વી યાદવે કેમ ઉઠાવ્યા સવાલો? દિલ્હીમાં ડિલિવરી બોયની હત્યા પર ગરમાયું રાજકારણ
દેશની રાજધાની દિલ્હીમાં બિહારના ખગડિયાના રહેવાસી ઝોમેટો ડિલિવરી બોય પાંડવ કુમારની હત્યાની ઘટનાએ હવે રાજકીય વળાંક લીધો છે. તેજસ્વી યાદવે આ મામલે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતા કહ્યું છે કે, ભાજપના શાસનમાં બિહારીઓ પ્રત્યે નફરત ફેલાવવામાં આવી રહી છે.
‘બિહારી હોવાના અપરાધ’ બદલ ગોળી મારી દીધી!
મંગળવારે (28 એપ્રિલ) સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરતા તેજસ્વી યાદવે લખ્યું, “ભાજપ સરકારમાં ‘બિહારી હોવું’ એ સૌથી મોટો અપરાધ અને રાજદ્રોહ બની ગયો છે. નવી દિલ્હીમાં 23 વર્ષના પાંડવ કુમારને માત્ર એટલા માટે ગોળી મારી દેવામાં આવી કારણ કે તે ‘બિહારી’ હતો. બિહારી હોવાના આ કથિત ગુનામાં તેનો મિત્ર કૃષ્ણ અત્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.”
ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો
તેજસ્વીએ દિલ્હીની રાજકીય સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, જ્યાં આ ઘટના બની ત્યાં નિગમ પાર્ષદથી લઈને સાંસદ, એલજી, ગૃહમંત્રી અને વડાપ્રધાન સુધી તમામ ભાજપના છે. તેમણે સવાલ કર્યો કે, “શું આ ભાજપના નેતાઓમાં હિંમત છે કે એક ગરીબ મહેનતુ બિહારીની હત્યા કરનાર પોલીસકર્મીને કડક સજા અપાવી શકે?” તેમણે ભાજપને બિહારીઓ માટે ‘કાળ’ સમાન ગણાવ્યું છે.
બિહારના લોકો પલાયન કરવા કેમ મજબૂર?
તેજસ્વી યાદવે નીતીશ કુમાર અને ભાજપની ગઠબંધન સરકારની 21 વર્ષની નીતિઓ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, બિહારમાં પૂરતી તકો ન હોવાને કારણે અહીંના લોકો બીજા રાજ્યોમાં પલાયન કરવા મજબૂર છે. તેમણે ઉમેર્યું કે બીજા રાજ્યોમાં ભાજપ સરકાર અને વહીવટીતંત્ર બિહારીઓને સન્માનને બદલે શંકા, નફરત અને હીનભાવનાથી જુએ છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
भाजपा सरकार में “बिहारी होना” ही सबसे बड़ा अपराध और देशद्रोह हो गया है। नई दिल्ली में खगड़िया निवासी 23 वर्षीय युवक पांडव कुमार की सिर्फ इसलिए गोली मार कर हत्या कर दी गई क्योंकि वह ‘बिहारी’ था। ‘बिहारी होने के अपराध’ में ही उसका दोस्त कृष्ण जिंदगी और मौत के बीच जूझ रहा है।
देश…
— Tejashwi Yadav (@yadavtejashwi) April 28, 2026
શું હતો સમગ્ર મામલો?
આ ઘટના શનિવારે રાત્રે દિલ્હીના જાફરાકલાં પોલીસ સ્ટેશન વિસ્તારના રાવતા ગામમાં બની હતી. આરોપ છે કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ નીરજે નશાની હાલતમાં પાંડવ કુમાર (23) પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં પાંડવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર કૃષ્ણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસકર્મી દ્વારા આચરવામાં આવેલા આ કૃત્યથી સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે.
ન્યાય અને વળતરની માંગ
તેજસ્વી યાદવે માંગ કરી છે કે આ કહેવાતી ડબલ એન્જિન સરકાર આ મામલે ઊંડી તપાસ કરાવે અને દોષિતોને કડક સજા અપાવે. તેમણે પીડિત પરિવાર માટે યોગ્ય વળતરની પણ માંગ કરી છે. તેમણે છેલ્લે ઉમેર્યું કે આ ઘટના માત્ર એક હત્યા નથી, પરંતુ બિહાર અને બિહારવાસીઓના સન્માન પર મોટો આઘાત છે, જેનો ન્યાય તાત્કાલિક મળવો જોઈએ.
