ભારત માટે રાહતના સમાચાર: 94,000 ટન ગેસ ભરેલા બે જહાજો સુરક્ષિત રીતે વતન પરત ફરી રહ્યા છે
ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવને કારણે જ્યારે સમગ્ર વિશ્વમાં તેલ અને ગેસના સંકટની આશંકા સેવાઈ રહી છે, ત્યારે ભારત માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે પણ અંદાજે 94,000 ટન LPG (રસોઈ ગેસ) લઈને બે મોટા જહાજો ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ જહાજોના આગમનથી દેશમાં ગેસના પુરવઠાને લઈને ઊભી થયેલી ચિંતાઓ હળવી થશે અને બજારમાં સ્થિરતા આવશે.
હોર્મુઝની સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ પ્રયાણ
જાણકારી મુજબ, ‘BW Tyr’ અને ‘BW Elm’ નામના બે વિશાળ જહાજો હોર્મુઝની ખાડી પાર કરીને સુરક્ષિત રીતે ભારતીય સમુદ્રી સીમામાં પ્રવેશી ચૂક્યા છે. તેમાંથી ‘BW Tyr’ જહાજ આશરે 46,500 ટન ગેસ લઈને મુંબઈ બંદર તરફ આવી રહ્યું છે, જે ભારત પેટ્રોલિયમ (BPCL) માટેનો જથ્થો છે. આ જહાજ 31મી માર્ચની રાત સુધીમાં મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. આ જહાજ ભારતીય ધ્વજ હેઠળ કાર્યરત છે અને સમુદ્રમાં તેની ગતિ સામાન્ય નોંધાઈ છે.
ન્યૂ મેંગલોર પોર્ટ પર આવશે બીજું જહાજ
બીજી તરફ, ‘BW Elm’ નામનું જહાજ અંદાજે 47,000 ટન LPG સાથે ન્યૂ મેંગલોર પોર્ટ તરફ આગળ વધી રહ્યું છે. આ જથ્થો હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) માટે મંગાવવામાં આવ્યો છે અને તે 1લી એપ્રિલ એટલે કે બુધવાર સુધીમાં ભારતના પશ્ચિમ કાંઠે પહોંચી જશે. આ બંને જહાજોની સુરક્ષિત હિલચાલ પર ભારત સરકાર અને નૌસેના સતત નજર રાખી રહી છે, જેથી યુદ્ધની સ્થિતિમાં પણ ભારતનો ઉર્જા પુરવઠો ખોરવાય નહીં.
ભારતીય નૌસેનાની મહત્વની ભૂમિકા
હાલમાં પર્સિયન ગલ્ફ (ઈરાની અખાત) માં ભારતના આશરે 18 જેટલા જહાજો હાજર છે, જેમાં તેલ અને ગેસના ટેન્કરોનો સમાવેશ થાય છે. આ મુશ્કેલ સમયમાં ભારતીય નૌસેના અને વિદેશ મંત્રાલય ઈરાન સાથે સતત સંપર્કમાં છે. જહાજો પર ભારતીય ક્રૂ અને ભારતીય ધ્વજ હોવાના સ્પષ્ટ સિગ્નલ આપીને તેમની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. દરેક જહાજને સુરક્ષાના પ્રોટોકોલ મુજબ ક્લિયરન્સ આપવામાં આવી રહ્યું છે, જે ભારતની મજબૂત રાજદ્વારી પકડ દર્શાવે છે.

