મુંબઇઃ દેશની આર્થિક રાજધાની હવે કોરોના વાયરસનું એપી સેન્ટર બની ગઇ છે. કોરોના મહામારીના સાત – સાત મહિના બાદ પણ સ્થિતિ સુધરી રહી નથી અને તેના લીધે મહારાષ્ટ્રની સરકારે રાજ્યમાં લોકડાઉન ફરી એક વખત લંબાવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉન 30 નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
ભારતમાં કોરોનાથી મહામારીથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. એક બાજુ હાલ દેશમાં કોરોના નવા કેસોની સંખ્યા ઘટી છે ત્યારે બીજી બાજુ સંક્રમણના જોખમને લઈને મહારાષ્ટ્રમાં ફરી એક વાર રાજ્યમાં લોકડાઉન લગાવવાની નોબત આવી છે. ગુરૂવારે રાજ્ય સરકારે ફરી એક વાર ગાઈડલાઈન જાહેર કરી રાજ્યમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન વધારી દીધુ છે.
નોંધનિય છે કે, મહારાષ્ટ્રમાં 5 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં બાર અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જ્યાં 50 ટકા ક્ષમતા સાથે બાર અને રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યા હતા, તો વળી શાળા અને કોલેજોને તથા કોચિંગ સેન્ટરોને હાલ પુરતા બંધ રાખવાની જ ફરજ પાડી છે. રાજ્ય સરકારે મંગળવારે જ પશ્ચિમ રેલ્વે અને સેન્ટ્રલ રેલ્વેને પત્ર લખીને લોકલ ટ્રેન ફરીથી શરૂ કરવાની ભલામણ કરી છે.
મહારાષ્ટ્ર રાજ્ય હજી પણ કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 130,286 સાથે ટોપ પર છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 6,738 નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસની સંખ્યા 16,60,766 થઈ ગયા છે. સ્વાસ્થ્ય વિભાગે આપેલી જાણકારી પ્રમાણે રાજ્યામાં વધુ 91 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. તેથી રાજ્યમાં હવે મૃતકોની સંખ્યા 43,554 થઈ ગઈ છે.