લગ્ન પહેલાં માતા-પિતાની લેખિત મંજૂરી ફરજિયાત કરવાની રાજ્ય સરકાર સમક્ષ માંગ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

ધારાસભ્ય વલ્લભ કાકડિયાની આગેવાનીમાં સરકારને મહત્વની રજૂઆત

લગ્ન પહેલા માતા-પિતાની લેખિત મંજૂરી ફરજિયાત કરવાની માગ સાથે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે. સમાજના આગેવાનોના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ મુદ્દે કાયદામાં સુધારાની રજૂઆત કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં ધારાસભ્ય વલ્લભ કાકડિયા સહિત સમાજના આશરે દસ જેટલા આગેવાનો સામેલ હતા. સમાજનું કહેવું છે કે વર્તમાન સમયમાં આવી કાયદાકીય વ્યવસ્થા જરૂરી બની ગઈ છે.

માતા-પિતાની જાણ વિના થતા લગ્ન પર ચિંતા

રજુઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે આજે કાયદેસર ઉંમરે પહોંચેલા ઘણા દીકરા-દીકરીઓ માતા-પિતાની જાણ કે સંમતિ વગર લગ્ન કરી લે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી દીકરીઓ ભાવનાત્મક દબાણ કે ખોટી સમજણના કારણે ઉતાવળા નિર્ણયો લઈ લે છે. આવા નિર્ણયો તેમના ભવિષ્યને જોખમમાં મૂકી શકે છે. પરિવારને ખબર ન રહેતાં ઘણી વખત પરિસ્થિતિ વધુ જટિલ બની જાય છે.

Marriage Consent Law 2.png

- Advertisement -

દીકરીઓને ભરમાવી લગ્ન કરાવવાના આક્ષેપ

સમાજના આગેવાનોએ કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે દીકરીઓને ગેરમાર્ગે દોરી લગ્ન કરાવવામાં આવે છે. આવી સ્થિતિમાં દીકરીઓ તેમજ તેમના પરિવારજનોને માનસિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો લગ્ન પહેલાં માતા-પિતાની લેખિત સંમતિ ફરજિયાત બને તો પરિવારને જાણ રહે અને ખોટા નિર્ણયોથી બચી શકાય. આ કાયદો સુરક્ષાત્મક પગલું બની શકે તેમ આગેવાનોનું માનવું છે.

ધારાસભ્ય વલ્લભ કાકડિયાનો સ્પષ્ટ મત

ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ જણાવ્યું હતું કે માતા-પિતાની જાણ વગર થતાં લગ્નોના કારણે અનેક વખત ગંભીર સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. કેટલીક ઘટનાઓમાં દીકરીઓ અને પરિવારજનોને ભારે તણાવ સહન કરવો પડે છે. આ પરિસ્થિતિ રોકવા માટે હવે કાયદાકીય માળખું જરૂરી બન્યું છે. તેમણે ઉમેર્યું કે આ મુદ્દો માત્ર સમાજનો નહીં પરંતુ સમગ્ર વ્યવસ્થાનો છે.

- Advertisement -

Marriage Consent Law 1.png

હિન્દુ મેરેજ એક્ટમાં સુધારાની માંગ

પ્રતિનિધિમંડળે સૂચન કર્યું હતું કે હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરીને લગ્ન પહેલાં માતા અને પિતાની લેખિત પૂર્વસંમતિ ફરજિયાત કરવામાં આવે. આવું કરવાથી કાચી સમજણના કારણે લેવાતા ખોટા નિર્ણયો અટકી શકે. સંતાનોના જીવન પર અને પરિવાર પર થતી ગંભીર અસરો ટાળી શકાય. સરકાર તરફથી આ મુદ્દે વિચારણા કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા

આ માગ બાદ રાજ્યના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. જો સરકાર આ દિશામાં કાયદાકીય પહેલ કરે તો લગ્ન સંબંધિત કાયદામાં મહત્વપૂર્ણ ફેરફાર આવી શકે છે. આવનારા સમયમાં સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકી છે.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.