ઉમરસાડી ગામે એલ્યુમિનિયમ પાવડર યુનિટમાં લાગી ભીષણ આગ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા ઉમરસાડી ગામની બી.એન. ઈન્ડસ્ટ્રીઝના યુનિટ-2 માં આજે સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ કે સ્થાનિક તંત્રને તરત જ તેને મેજર કોલ જાહેર કરવો પડ્યો. આગ લાગ્યા બાદ અનેક કલાકો વીતી ગયા છતાં પણ હાલ સુધી પરિસ્થિતિ કાબૂમાં લાવવાની કોશિશો સફળ બની નથી અને કામગીરી વધુ 5 કલાક ચાલવાની શક્યતા છે. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
એલ્યુમિનિયમ પાવડરને કારણે આગ વધુ વિકરાળ બની
પ્રાથમિક વિગતો દર્શાવે છે કે કંપનીમાં એલ્યુમિનિયમના ટીનને ક્રશ કરીને પાવડર બનાવવા પ્રક્રિયા ચાલતી હતી. આ પાવડરે ચિંગારી પકડી લેતા આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ. એલ્યુમિનિયમ પાવડર અત્યંત દહનક્ષમ હોવાને કારણે આગને નિયંત્રિત કરવી વધુ પડકારરૂપ બની પડી છે. ફાયર ફાઈટરો સતત પ્રયત્નો કરી રહ્યા છે, છતાં ધુમાડો અને તાપને કારણે કામગીરીમાં ભારે અડચણો આવી રહી છે.
તમામ ફાયર ટીમો તાત્કાલિક રવાના
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને જિલ્લામાં આવેલી તમામ ફાયર સ્ટેશનોમાંથી ટીમોને તરત જ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. હાલ 8થી વધુ ફાયર ફાઈટરોની ટીમો યુનિટમાં હાજર રહી સતત પાણીનો મારો ચલાવી રહી છે. આગના જોરને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ધુમાડો છવાઈ ગયો છે અને અનેક કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે, જેને કારણે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

