આજકાલ સીંગતેલના ભાવ ભડકે બળી રહયા છે ત્યારે આજે મહેસાણામાં તેલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા લાખ્ખો રૂપિયાનું તેલ વહી જતા લોકોએ સીંગતેલ તેલ લેવા પડાપડી કરી મૂકી હતી.
મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે આજે વહેલી સવારે તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં લોકોએ જે હાથમાં આવ્યું તે વાસણ લઈને તેલનો સ્ટોક ઘરમાં ભરી દીધો હતો.
જેમ જેમ લોકોને જાણ થતી ગઈ તેમ તેમ લોકો ટેમ્પો-રિક્ષામાં બેસી સ્થળ ઉપર ડબા-કેરબા લઈ દોડી આવ્યા હતા અને સતત 5 કલાક સુધી લોકો સ્થળ પર તેલ ભરતા રહ્યા હતા.
વિગતો મુજબ રાજકોટથી સત્યમ બાલ કેરિયર કંપનીનું સિંગતેલ ભરીને ડ્રાઇવર સહજાદ મોહંમદ અને કંડકટર આદિલ ખાન રાજકોટથી પાલનપુર ખાલી કરવા જતા હતા તે દરમિયાન મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે આવતાં ટેન્કર આગળ જતી એક ગાડીને બચાવવા જતાં ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતાં ડ્રાઇવર અને કંડકટર કાચ ફોડી બહાર નીકળ્યા હતા તેઓ બન્નેને ઇજાઓ થઈ હતી.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તેમજ આસપાસનાં ગામોના લોકો ઘરમાં જે મળ્યું એ વાસણ અને ડબ્બા લઈ તેલ લેવા દોડ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, બાળકો કેરબા, ડબા લઈ તેલ ભરી જતા નજરે પડ્યા હતા.
આમ,લોકોએ સીંગતેલ લૂંટી જતા રહયા હતા.