રાજ્યમાં એક તરફ કોરોનાથી લોકો ત્રસ્ત થઇ ગયા છે ત્યાં તો હજુ ખરેખર ચોમાસાની શરૂઆત પણ નથી થઇ ત્યાં તો વરસાદનું પણ આગમન થઇ ગયું છે. રાજ્યમાં આવેલા ‘તાઉ-તે’ વાવાઝોડા દરમ્યાન વરસેલા વરસાદ બાદ હજુ પણ ક્યાંક ક્યાંક વરસાદ મન મૂકીને વરસતો જોવા મળી રહ્યો છે. એવામાં વાત કરીએ તો રાજ્યમં એક બાજુ ઉનાળાની અસહ્ય ગરમી પડી રહી છે તો બીજી બાજુ મહેસાણાના ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ઊંઝા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ખેડૂતોને બાજરી સહિતના પાકો તેમજ ઘાસચારાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.તમને જણાવી દઇએ કે, ઊંઝા પંથકમાં મોડી સાંજે રાત્રે સાડા આઠ કલાકની આસપાસ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. અત્રે નોંધનીય છે કે છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે એવામાં ઊંઝા પંથકમાં મોડી સાંજે એકાએક વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઇ છે.મળતી માહિતી મુજબ ઊંઝા પંથકના કહોડા, જગન્નાથપુરા, કામલી સહિતના અનેક વિસ્તારોમાં રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ ગાજવીજ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો માહોલ છવાઇ ગયો હતો. નોંધનીય છે કે થોડાં સમય પહેલાં ‘તાઉ-તે’ વાવાઝોડાના કારણે પણ ઊંઝા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થયો હતો.હાલમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે મહેસાણાના ઊંઝા પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોને બાજરી સહિતના પાકો તેમજ ઘાસચારાના પાકને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાઇ ગયા છે.
