લિયોનલ મેસ્સી મુશ્કેલીમાં: મિયામીમાં ફૂટબોલના જાદુગર પર 58 કરોડની છેતરપિંડીનો આરોપ!

4 Min Read

લિયોનલ મેસ્સી પર કાયદાકીય સંકટ: મિયામીમાં છેતરપિંડીનો ગંભીર આરોપ

ફૂટબોલની દુનિયાના જાદુગર ગણાતા લિયોનલ મેસ્સી હાલમાં એક કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. મિયામીના એક પ્રમોટર જૂથ દ્વારા મેસ્સી પર છેતરપિંડી અને કરોડો રૂપિયાના કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસ મિયામી-ડેડ સર્કિટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે, જેણે રમતગમત જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

શું છે સમગ્ર વિવાદ?

‘વિડ મ્યુઝિક ગ્રુપ’ (Vid Music Group) નામના ઈવેન્ટ પ્રમોટરે લિયોનલ મેસ્સી અને ‘આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન’ (AFA) વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પ્રમોટરનો દાવો છે કે ગયા વર્ષે આયોજિત એક પ્રદર્શન મેચ (Exhibition Match) દરમિયાન મેસ્સીએ કરારની શરતોનું પાલન કર્યું ન હતું. કરાર મુજબ મેસ્સીએ મેદાન પર રમવાનું હતું, પરંતુ તેઓ રમ્યા ન હતા, જેના કારણે પ્રમોટરને લાખો ડોલરનું નુકસાન વેઠવું પડ્યું છે.

- Advertisement -

messi1.jpg

કરારની શરતો અને મેસ્સીની ગેરહાજરી

મુકદ્દમામાં જણાવ્યા અનુસાર, વિડ મ્યુઝિક ગ્રુપે AFA સાથે એક વિશેષ સમજૂતી કરી હતી. આ સમજૂતી હેઠળ, તેમને આર્જેન્ટિનાની આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચો (International Friendlies) ના પ્રચાર અને આયોજનના એક્સક્લુઝિવ અધિકારો આપવામાં આવ્યા હતા. આ મેચોમાં ગયા ઓક્ટોબરમાં વેનેઝુએલા અને પ્યુર્ટો રિકો સામે રમાયેલી મેચોનો પણ સમાવેશ થતો હતો.

- Advertisement -

આ કરારની એક મહત્વની શરત એ હતી કે, જો લિયોનલ મેસ્સી ઈજાગ્રસ્ત ન હોય, તો તેમણે દરેક મેચમાં ઓછામાં ઓછી 30 મિનિટ રમવું પડશે. પ્રમોટરનો આરોપ છે કે 10 ઓક્ટોબરના રોજ વેનેઝુએલા સામેની મેચમાં મેસ્સી મેદાન પર ઉતર્યા જ નહોતા. નવાઈની વાત એ છે કે, મેસ્સી તે સમયે સ્ટેડિયમમાં જ હતા, પરંતુ તેઓ હાર્ડ રોક સ્ટેડિયમના એક લક્ઝરી સુઈટમાં બેસીને મેચ જોઈ રહ્યા હતા.

બીજા જ દિવસે ઈન્ટર મિયામી માટે મેદાનમાં

પ્રમોટર જૂથનો સૌથી મોટો આક્ષેપ એ છે કે, વેનેઝુએલા સામેની મેચમાં ‘અસ્વસ્થ’ હોવાનું જણાવીને ન રમનાર મેસ્સી તેના બીજા જ દિવસે એકદમ ફિટ જણાતા હતા. 11 ઓક્ટોબરે તેઓ પોતાની ક્લબ ‘ઈન્ટર મિયામી’ તરફથી મેજર લીગ સોકર (MLS) માં અટલાન્ટા વિરુદ્ધ રમ્યા હતા. એટલું જ નહીં, તેમણે તે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા બે ગોલ પણ કર્યા હતા અને તેમની ટીમને 4-0 થી જીત અપાવી હતી. આ ઘટનાએ પ્રમોટરના શંકાના વમળને વધુ મજબૂત બનાવ્યું છે.

ટિકિટના વેચાણમાં ઘટાડો અને આર્થિક નુકસાન

પ્રમોટર કંપનીએ જણાવ્યું છે કે મેસ્સી ન રમવાને કારણે તેમને ભારે આર્થિક ફટકો પડ્યો છે. આર્જેન્ટિનાની ટીમમાં જુલિયન અલ્વારેઝ, એન્ઝો ફર્નાન્ડીઝ અને એમિલિયાનો માર્ટિનેઝ જેવા સ્ટાર ખેલાડીઓ હોવા છતાં, પ્રેક્ષકો માટે મેસ્સી જ મુખ્ય આકર્ષણ હોય છે.

- Advertisement -

messi.jpg

14 ઓક્ટોબરે પ્યુર્ટો રિકો સામેની મેચમાં પણ મુશ્કેલીઓ જોવા મળી હતી. આ મેચ પહેલા શિકાગોમાં યોજાવાની હતી, પરંતુ ટિકિટના ઓછા વેચાણ અને ઈમિગ્રેશન વિભાગની કાર્યવાહીના ડરથી તેને ફ્લોરિડા ખસેડવામાં આવી હતી. ફ્લોરિડાના નાના સ્ટેડિયમમાં પણ ટિકિટના ભાવ ઘટાડીને 25 USD (આશરે 2000 રૂપિયા) કરવામાં આવ્યા હોવા છતાં સ્ટેડિયમ હાઉસફુલ થયું ન હતું.

કરોડોના વળતરની માંગ

જોકે પ્રમોટર કંપનીએ હજુ સુધી વળતરની ચોક્કસ રકમનો ખુલાસો કર્યો નથી, પરંતુ તેમનું કહેવું છે કે મેસ્સીની ગેરહાજરી અને કરાર ભંગને કારણે તેમને લાખો ડોલરનું નુકસાન થયું છે. આ કેસ હવે કાનૂની દાવપેચમાં ફસાયો છે અને ફૂટબોલ પ્રેમીઓ પણ આશ્ચર્યચકિત છે કે શું મેસ્સી ખરેખર કરારની શરતો તોડી શકે?

TAGGED:
Share This Article