મિચેલ સ્ટાર્કનો કહેર: બાંગ્લાદેશ સામે મેકે ટેસ્ટમાં માત્ર 22 બોલમાં ઝડપી 5 વિકેટ
ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ જ દિવસે ઓસ્ટ્રેલિયન ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે પોતાની ખતરનાક બોલિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. મેકેના મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં સ્ટાર્કે બાંગ્લાદેશી બેટિંગ લાઇન-અપના ધિજાગરા ઉડાવી દીધા હતા. તેણે માત્ર 22 બોલની અંદર બાંગ્લાદેશના ટોચના 5 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરીને એક નવોતિહાસ રચી દીધો છે. આ સાથે જ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બોલર ડેલ સ્ટેનને પણ પાછળ છોડી દીધો છે.
પ્રથમ જ બોલથી સ્ટાર્કનો કહેર શરૂ
ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય સાચો સાબિત થવામાં સેકન્ડોનો પણ સમય ન લાગ્યો. ઇનિંગ્સનો પહેલો જ બોલ ફેંકવા આવેલા મિશેલ સ્ટાર્કે બાંગ્લાદેશના ઓપનર શાદમાન ઇસ્લામને શૂન્ય (0) રને આઉટ કરીને મેચના પ્રથમ બોલે જ વિકેટ ઝડપી લીધી હતી. આ આંચકામાંથી બાંગ્લાદેશી ટીમ બહાર આવે તે પહેલાં જ સ્ટાર્કે પોતાની બીજી ઓવરમાં વધુ એક મોટો ધડાકો કર્યો હતો.

બીજી ઓવરના પ્રથમ બોલ પર તેણે અગાઉની મેચમાં સદી ફટકારનાર તાંઝીદ હસનને ખાતું ખોલાવ્યા વિના આઉટ કર્યો હતો. તેના તરત જ પછીના બોલ પર બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હસન શાંતોને ગોલ્ડન ડક (પ્રથમ બોલે આઉટ) પર પેવેલિયન ભેગો કરી દીધો. માત્ર 2 ઓવરના અંતે બાંગ્લાદેશની ટોચની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી.
માત્ર 22 બોલમાં 5 વિકેટનો અદ્ભુત સ્પેલ
સ્ટાર્કનું આક્રમણ અહીં જ અટક્યું નહોતું. પોતાની ચોથી ઓવર (મેચની સાતમી ઓવર)માં તેણે વિકેટકીપર બેટ્સમેન લિટન દાસને પણ શૂન્ય રને આઉટ કરીને બાંગ્લાદેશની કમર ભાંગી નાખી હતી. આ સાથે જ સ્ટાર્કે પોતાની ઇનિંગ્સના માત્ર 22 બોલમાં 5 વિકેટ પૂરી કરી લીધી હતી.
સ્ટાર્કની બોલિંગની ઘાતકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે આઉટ કરેલા પ્રથમ પાંચ બેટ્સમેનોમાંથી ચાર બેટ્સમેન શૂન્ય રને આઉટ થયા હતા. બાંગ્લાદેશી બેટ્સમેનો પાસે સ્ટાર્કની સ્સવિંગ અને અતિ ઝડપી બોલિંગનો કોઈ જવાબ નહોતો.
ડેલ સ્ટેનનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો
આ મેચમાં 5 વિકેટ ઝડપવાની સાથે જ મિશેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. તે હવે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના મહાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેન કરતાં આગળ નીકળી ગયો છે. ડેલ સ્ટેને પોતાની કારકિર્દીની 93 ટેસ્ટ મેચોમાં 439 વિકેટ ઝડપી હતી. મેકે ખાતેની આ સફળતા બાદ મિશેલ સ્ટાર્કની ટેસ્ટ ક્રિકેટમાં કુલ 440 વિકેટ થઈ ગઈ છે.

આ સાથે જ મિશેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા વિશ્વના તમામ બોલરોની યાદીમાં ટોચના 10 બોલરોમાં સામેલ થઈ ગયો છે. એટલું જ નહીં, ફાસ્ટ બોલરોની વાત કરીએ તો તે વિશ્વમાં પાંચમા ક્રમે અને ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો સૌથી સફળ ફાસ્ટ બોલર બન્યો છે.હાલમાં વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ફાસ્ટ બોલર તરીકે ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન (704 વિકેટ) પ્રથમ સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ગ્લેન મેકગ્રા (563 વિકેટ) બીજા સ્થાને છે.
