ફાઇટર જેટ કરતાં અંદર વધુ જગ્યા છે? વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં શુભાંશુ શુક્લાનો ખુલાસો
ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સોમવારે (૧૮ ઑગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પોતાના અનુભવો જ નહીં, પરંતુ અવકાશમાં જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો પણ જણાવી. શુક્લા આ વર્ષે ૨૫ જૂને ‘એક્સિઓમ-૪ મિશન’ હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) ગયા હતા અને ૧૮ દિવસ ત્યાં રહ્યા હતા. ૧૫ જુલાઈએ તેઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા. મુલાકાત દરમિયાન તેમણે પીએમ મોદીને ISS પર લહેરાવવામાં આવેલો ભારતીય ત્રિરંગો અને મિશન પેચ ભેટ આપ્યો.
જ્યારે પીએમ મોદીએ શુક્લાને પૂછ્યું કે શું સ્પેસ સ્ટેશનની અંદર ફાઇટર જેટ કરતાં વધુ જગ્યા હોય છે, તો તેમણે હસતા જવાબ આપ્યો કે “હા, બિલકુલ. ફાઇટર જેટની સરખામણીમાં અવકાશ સ્ટેશન ઘણું મોટું છે, પરંતુ ત્યાં જગ્યાનો ઉપયોગ ખૂબ જ સમજી-વિચારીને કરવામાં આવે છે. દરેક ઇંચની કિંમત હોય છે.”

તેમણે ખોરાક અંગે પણ રસપ્રદ માહિતી આપી. શુક્લાએ કહ્યું કે “સ્પેસ સ્ટેશન પર ફૂડ સૌથી મોટો પડકાર છે. કાર્ગો લઈ જવું ખૂબ મોંઘું છે અને જગ્યા પણ મર્યાદિત છે. તેથી વૈજ્ઞાનિકો ઓછામાં ઓછી જગ્યામાં વધુ પોષણ અને કેલરી પેક કરવાનો પ્રયાસ કરે છે. આ સાથે, અવકાશમાં છોડ ઉગાડવાના પ્રયોગો સતત ચાલી રહ્યા છે. માઇક્રો ગ્રેવિટીમાં ખેતી કરવી સરળ થઈ શકે છે અને ભવિષ્યમાં તે આપણી ખાદ્ય સુરક્ષાની સમસ્યાનો ઉકેલ બની શકે છે.”
પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન શુક્લાએ જણાવ્યું કે અન્ય દેશોના અવકાશયાત્રીઓ ભારતના અવકાશ કાર્યક્રમથી ખૂબ પ્રભાવિત છે. તેમણે કહ્યું, “હું જ્યાં પણ ગયો, જેને પણ મળ્યો, દરેક વ્યક્તિ ભારત વિશે ઉત્સાહિત હતો. ઘણા લોકો ગગનયાન મિશન વિશે મારા કરતા પણ વધુ સવાલો પૂછતા હતા. તેઓ જાણવા માંગતા હતા કે ભારતનું માનવ અવકાશ મિશન ક્યારે ઉડાન ભરશે.”
#WATCH | Delhi: During his interaction with PM Modi, Group Captain Shubhanshu Shukla said, “Food is a big challenge on a space station, there is less space, and cargo is expensive. You always try to pack as many calories and nutrients as possible in the least space, and… pic.twitter.com/oxZwaQ9HLv
— ANI (@ANI) August 19, 2025
શુક્લાએ આગળ કહ્યું કે ભારતની સિદ્ધિઓથી આખી દુનિયા પરિચિત છે અને દરેક વ્યક્તિ આ વાતની પ્રશંસા કરે છે કે ભારત અવકાશ વિજ્ઞાનમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. તેમની આ વાતચીતથી સ્પષ્ટ થાય છે કે અવકાશમાં ભારતની ઓળખ અને પ્રતિષ્ઠા સતત વધી રહી છે. આ મુલાકાત માત્ર વડાપ્રધાન મોદી માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે પણ ગર્વની ક્ષણ હતી. શુભાંશુ શુક્લાનો અનુભવ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે અને ગગનયાન જેવા મહત્વાકાંક્ષી મિશનોને વધુ ગતિ આપશે.

