ગૌતમ ગંભીરને કડક સલાહ: ‘અભિષેક શર્મા હજુ તૈયાર નથી, તેને ફાઈનલમાંથી બહાર કરો’ મોહમ્મદ કૈફ
IND vs NZ Final: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે એક મોટું નિવેદન આપ્યું છે. કૈફે હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવને અપીલ કરી છે કે આ મહત્વની મેચ માટે આઉટ ઓફ ફોર્મ બેટ્સમેન અભિષેક શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવા જોઈએ.
અભિષેક શર્મા આ આખી ટૂર્નામેન્ટમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. એક અડધી સદીને બાદ કરતાં તેનું બેટ શાંત રહ્યું છે. ખાસ કરીને પાવરપ્લેમાં સ્પિનરો સામે તે સતત આઉટ થઈ રહ્યો છે, જે ભારત માટે નબળી કડી સાબિત થઈ રહી છે.
‘અભિષેકને બ્રેક આપો, રિન્કુ સિંહને ટીમમાં લાવો’
મોહમ્મદ કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે, “ટીમ ઈન્ડિયા હવે અભિષેક શર્માને આરામ આપી શકે છે. તેણે ઘણી મેચો રમી લીધી છે અને હવે ફેરફાર કરવામાં કોઈ નુકસાન નથી. જે રીતે વેસ્ટ ઈન્ડિઝે બ્રેન્ડન કિંગના સ્થાને રોસ્ટન ચેઝને તક આપી હતી, તેવો જ કડક નિર્ણય ભારતે લેવો પડશે. જ્યારે તમારી પાસે રિન્કુ સિંહ જેવો મેચ વિનર ખેલાડી ડગઆઉટમાં બેઠો હોય, ત્યારે સંઘર્ષ કરી રહેલા ખેલાડીને ટીમમાં રાખવાનો કોઈ અર્થ નથી.”
કૈફના મતે, અભિષેક શર્મા વર્લ્ડ કપ પહેલા બીમાર પડ્યો હતો અને તેના કારણે તેનું વજન પણ ઓછું થયું છે. આ શારીરિક નબળાઈની અસર તેના બેટ સ્વિંગ અને ફિલ્ડિંગ પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.
સંજુ સેમસન અને અભિષેક શર્મા વચ્ચે મોટો તફાવત
અભિષેકના ખરાબ ફોર્મ વચ્ચે સંજુ સેમસને ટીમમાં વાપસી કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે. કૈફે આ બંને ખેલાડીઓની સરખામણી કરતા જણાવ્યું કે, સંજુ પાસે અનુભવ છે જ્યારે અભિષેક હજુ દબાણ ઝીલવા માટે તૈયાર નથી.
કૈફે ઉમેર્યું, “અભિષેક શર્મા અને સંજુ સેમસન વચ્ચેનો સૌથી મોટો તફાવત અનુભવનો છે. અભિષેક ICC ઈવેન્ટ્સમાં સાવ નવો છે અને વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં રમવું ઘણું અલગ હોય છે. બીજી તરફ, સંજુએ T20માં 8000થી વધુ રન બનાવ્યા છે અને તે છેલ્લા 11 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ભાગ છે. અભિષેક હજુ યુવાન છે અને તેને ઘણું શીખવાનું બાકી છે, તે હજુ ફાઈનલ જેવી મોટી મેચ માટે તૈયાર નથી.”
શું ગૌતમ ગંભીર લેશે મોટો નિર્ણય?
ટીમ મેનેજમેન્ટે અગાઉ અભિષેકના સ્થાને સંજુ સેમસનને લાવીને એક સફળ પ્રયોગ કર્યો છે, જે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં કામ કરી ગયો હતો. હવે જોવાનું એ રહેશે કે શું ગૌતમ ગંભીર ફાઈનલમાં રિન્કુ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપીને કૈફની સલાહ માને છે કે પછી ફરી એકવાર અભિષેક શર્મા પર વિશ્વાસ મૂકે છે.

