મોરબીના ખાનપર ગામે ગઈકાલે સાંજના સમયે ગ્રામ પંચાયત કચેરીએ માથાકૂટ થવા પામી હતી જેમાં ગામના તલાટી મંત્રી અને અરજદાર વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ બીચકયો હતો અને બાદમાં સામસામી પોલીસ ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ કોયલી ગામના રહેવાસી અને ખાનપર ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા દિવ્યેશકુમાર લીંબાભાઈ ભીમાણીએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તે તલાટી કમ મંત્રી તરીકે ખાનપર ગ્રામ પંચાયત કચેરીએ ફરજ પર હોય દરમિયાન આરોપી હરેશ નાથા પરમાર નામનો ઇસમ કૈફી પ્રવાહી પીધેલી હાલતમાં આવીને પોતાની દુકાનનો વેરો ભરવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ પેદા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે
જયારે સામાપક્ષે ગુલાબ નાથાભાઈ પરમારે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને તેનો ભાઈ બંને પંચાયત ઓફિસમાં તેની દુકાનનો વેરો ભરવા ગયા હોય ત્યારે આરોપી ખાનપર ગામના તલાટી મંત્રી અને ગામના સરપંચ ખંતીલભાઈ મગનભાઈ નામના આરોપીએ વેરો લેવાની ના પાડતા ફરીએ લખી આપવા જણાવતા આરોપીઓ પૈકીના સરપંચ ખંતીલભાઈ મગનભાઈએ ફરિયાદીનેજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઓફીસ બહાર કાઢી તેમજ તેના ભાઈને ઢીકાપાટું માર મારી એકબીજાને ગુન્હામાં મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
મોરબી તાલુકા પોલીસે તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટની જયારે સામાપક્ષે અરજદારની એટ્રોસિટીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.