મહિલાઓ અને હાઈ બીપીના દર્દીઓ ખાસ વાંચે! કયા સમયે વર્કઆઉટ કરવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે?
સ્વસ્થ અને ફિટ રહેવા માટે નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે, પરંતુ એક સવાલ હંમેશાં લોકોને મૂંઝવણમાં મૂકે છે: “એક્સરસાઇઝ કરવાનો સાચો સમય કયો? સવારે વર્કઆઉટ કરવું વધુ ફાયદાકારક છે કે સાંજે?” આ વિષય પર લાંબા સમયથી ચર્ચાઓ ચાલતી આવી છે. કેટલાક લોકો પોતાના દિવસની શરૂઆત પરસેવો પાડીને કરવાનું પસંદ કરે છે, તો કેટલાક લોકો આખો દિવસ ઓફિસ કે કામમાં વ્યસ્ત રહ્યા પછી સાંજે જીમમાં જવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ આ બાબતે અનેક આંતરરાષ્ટ્રીય રિસર્ચ અને મોટા ડોક્ટરોના અભિપ્રાયો સામે આવ્યા છે, જે દર્શાવે છે કે સવાર અને સાંજ બંને સમયે એક્સરસાઇઝ કરવાના પોતાના અલગ-અલગ અને અનોખા ફાયદા છે.
બાયોલોજીકલ ક્લોક અને એક્સરસાઇઝનો સંબંધ
અમેરિકાની જાણીતી હોસ્પિટલ ‘લોસ રોબલ્સ હોસ્પિટલ’ (losrobleshospital) ના એક રિપોર્ટ અનુસાર, એક્સરસાઇઝનો સાચો સમય નક્કી કરવા માટે આપણા શરીરની સર્કેડિયન રિધમ (Circadian Rhythm) એટલે કે ‘જૈવિક ઘડિયાળ’ ને સમજવી ખૂબ જ જરૂરી છે. આ એક ૨૪ કલાક ચાલતી આંતરિક સિસ્ટમ છે, જે આપણા શરીરમાં ઊંઘ, હોર્મોન્સનું સ્તર, મેટાબોલિઝમ (પાચનક્રિયા) અને શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે.
વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે સવારના સમયે આપણા શરીરનું તાપમાન ઓછું હોય છે, જ્યારે સાંજ થતાં-થતાં તે કુદરતી રીતે વધી જાય છે. શરીરનું ઊંચું તાપમાન આપણી માંસપેશીઓ (Muscles) ને વધુ લવચીક અને મજબૂત બનાવે છે, જેના કારણે સાંજના સમયે વર્કઆઉટનું પ્રદર્શન (Performance) વધુ સારું થઈ શકે છે અને ઇજા થવાનું જોખમ ઘટી જાય છે.
સવારે એક્સરસાઇઝ કરવાના અદભુત ફાયદા
જો તમે સવારના સમયે વર્કઆઉટ કરવાનું પસંદ કરો છો, તો તેનાથી તમારા શરીરને આ ખાસ ફાયદા થાય છે:
-
હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે: રિપોર્ટ અનુસાર, સવારે ૮ થી ૧૧ વાગ્યાની વચ્ચે કરવામાં આવેલી કસરત હૃદયની બીમારીઓ અને બ્રેઈન સ્ટ્રોકના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. આ ફાયદો ખાસ કરીને મહિલાઓમાં વધુ સ્પષ્ટપણે જોવા મળ્યો છે.
-
ઝડપથી વજન ઘટે છે (Fat Burn): સવારે ખાલી પેટે અથવા વહેલા વર્કઆઉટ કરવાથી શરીર જમા થયેલી ચરબીને (સ્ટોર્ડ ફેટ) ઉર્જા તરીકે વાપરે છે. આનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને વજન નિયંત્રિત કરવામાં ખૂબ જ સરળતા રહે છે.
-
હાર્ટ પેશન્ટ્સ માટે સુરક્ષિત: જે લોકોને હૃદય સંબંધિત કોઈ બીમારી કે તકલીફ હોય, તેમના માટે વહેલી સવારના બદલે ‘લેટ મોર્નિંગ’ એટલે કે સૂર્યપ્રકાશ આવ્યા પછી થોડી મોડી સવારે કસરત કરવી વધુ સુરક્ષિત અને ફાયદાકારક માનવામાં આવી છે.
સાંજે વર્કઆઉટ કરવાના ચોંકાવનારા ફાયદા
બીજી તરફ, સાંજના સમયે જીમમાં પરસેવો પાડવાના કે દોડવાના પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ફાયદા છે:
-
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે: મેડિકલ રિપોર્ટ અનુસાર, સાંજે ૬ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધીના સમયગાળામાં કરેલું વર્કઆઉટ હાઈ બ્લડ પ્રેશર (બીપી) ને ઓછું કરવામાં મદદ કરે છે. આ સમયે આપણી રક્તવાહિનીઓ (ધમનીઓ) વધુ લવચીક હોય છે, જેના કારણે હૃદય પર પમ્પિંગનું દબાણ ઓછું પડે છે. હાઈ બીપીની સમસ્યાથી પીડાતા વડીલો અને બઝુર્ગો માટે સાંજની કસરત રામબાણ સાબિત થઈ શકે છે.
-
વધુ એનર્જી અને ઇન્ટેન્સ વર્કઆઉટ: દિવસભર ભોજન લીધા પછી સાંજે શરીરમાં એનર્જીનું સ્તર ખૂબ જ સારું હોય છે. આથી, લોકો સાંજના સમયે ભારે વજન ઉપાડવું (વેઇટ ટ્રેનિંગ) કે હાઈ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ ખૂબ જ સરળતાથી અને લાંબા સમય સુધી કરી શકે છે. તે દિવસભરના માનસિક તણાવ (સ્ટ્રેસ) ને દૂર કરવામાં પણ મદદ કરે છે.
મહિલાઓના સ્વાસ્થ્ય પર એક્સરસાઇઝની અસર
મહિલાઓના ફિટનેસ સ્તર પર કરવામાં આવેલી એક વિશેષ સ્ટડી, જે ‘દ જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી’ (2024) માં પ્રકાશિત થઈ છે, તેમાં કેટલાક મહત્વના ખુલાસા થયા છે. આ અભ્યાસ અનુસાર, જે મહિલાઓ અઠવાડિયામાં માત્ર બે થી ત્રણ દિવસ પણ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અથવા રેઝિસ્ટન્સ ટ્રેનિંગ (સ્નાયુ મજબૂત કરવાની કસરત) કરે છે, તેમનામાં કાર્ડિયોવાસ્ક્યુલર એટલે કે હૃદયરોગનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ ઉપરાંત, જે મહિલાઓ રોજ માત્ર સવાર-સાંજ ઝડપી ચાલવા (બ્રિસ્ક વોકિંગ) જેવી સામાન્ય કસરત કરે છે, તેમનામાં અકાળ મૃત્યુનું જોખમ ૨૪ ટકા જેટલું ઓછું જોવા મળ્યું છે.
વર્કઆઉટ શરૂ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
ફિટનેસ નિષ્ણાતો અને ડોક્ટરોના મતે, સવાર કે સાંજનો સમય પસંદ કરવા કરતાં સૌથી વધુ મહત્વની બાબત એ છે કે તમે કસરતમાં કેટલી નિયમિતતા (Consistency) જાળવો છો. જો તમે તમારી લાઈફસ્ટાઈલ અને ઓફિસના સમય અનુસાર કોઈ એક ચોક્કસ સમય નક્કી કરીને રોજ કસરત કરશો, તો તમારું શરીર તે સમય પ્રમાણે ઢળી જશે અને શ્રેષ્ઠ પરિણામો આપવાનું શરૂ કરશે.
જો તમે નવી શરૂઆત કરી રહ્યા હોવ, તો નીચેની બાબતો ધ્યાનમાં રાખો:
૧. ધીમી શરૂઆત: પહેલા જ દિવસે ભારે કસરત ન કરો. શરૂઆતમાં માત્ર ૧૦ થી ૧૫ મિનિટની હળવી કસરત કે વોકિંગ કરો અને ધીમે-ધીમે અઠવાડિયા દર અઠવાડિયે સમય અને તીવ્રતા વધારો.
૨. બોડી વૉર્મ-અપ: કસરત શરૂ કરતાં પહેલાં ૫ મિનિટ વૉર્મ-અપ અને પૂરી થયા પછી સ્ટ્રેચિંગ કરવું અનિવાર્ય છે, જેથી સ્નાયુઓ ખેંચાઈ ન જાય.
૩. ડોક્ટરની સલાહ: જો તમને પહેલેથી જ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો કે હૃદયની કોઈ બીમારી હોય, તો કોઈ પણ નવો ફિટનેસ પ્લાન શરૂ કરતાં પહેલાં તમારા ફેમિલી ડોક્ટર કે કાર્ડિયોલોજિસ્ટની સલાહ ચોક્કસ લો.

