IPL 2026: એમ.એસ. ધોનીએ સંભાળી ગુરુની ભૂમિકા, CSKના યુવા વિકેટકીપર્સને આપી સ્પેશિયલ ટ્રેનિંગ
આઈપીએલ 2026ની સિઝન શરૂ થાય તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ ના કેમ્પમાંથી એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર એમ.એસ. ધોની મેદાન પર પરસેવો પાડવાને બદલે ટીમના યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપતા જોવા મળી રહ્યા છે. ધોનીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન ચેન્નાઈના બે યુવા વિકેટકીપર ઉર્વિલ પટેલ અને કાર્તિક શર્મા સાથે ઘણો સમય વિતાવ્યો અને તેમને વિકેટકીપિંગની ઝીણવટભરી ટિપ્સ આપી હતી.
યુવા ખેલાડીઓ માટે ‘માસ્ટરક્લાસ’
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની ઉર્વિલ અને કાર્તિકને સ્ટમ્પ પાછળની ટેકનિક સમજાવી રહ્યા છે. આ બંને ખેલાડીઓ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા છે, પરંતુ ધોની પાસેથી મળેલી આ ટિપ્સ તેમની વિકેટકીપિંગ કુશળતામાં મોટો સુધારો લાવી શકે છે. જોકે, આ સિઝનમાં ધોનીની ભૂમિકા શું હશે તે અંગે હજુ સસ્પેન્સ છે. અહેવાલો અનુસાર, ધોની આ સિઝનમાં મોટે ભાગે ‘ઇમ્પેક્ટ પ્લેયર’ તરીકે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.
સંજુ સેમસન બની શકે છે ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર
છેલ્લા ઘણા વર્ષોથી ધોની જ CSK માટે મુખ્ય વિકેટકીપરની ભૂમિકા ભજવતા હતા, પરંતુ આ વર્ષે સ્થિતિ બદલાયેલી જોવા મળી શકે છે. ટીમમાં સંજુ સેમસનના આગમન બાદ માનવામાં આવે છે કે તે જ ટીમનો મુખ્ય વિકેટકીપર બેટ્સમેન હશે. જો સંજુ કોઈ મેચમાં ઉપલબ્ધ ન હોય અથવા તેને આરામ આપવામાં આવે, તો ઉર્વિલ પટેલ કે કાર્તિક શર્માને તક મળી શકે છે. ધોનીના નામે IPLમાં વિકેટ પાછળ 200થી વધુ શિકાર કરવાનો અનોખો રેકોર્ડ છે, જેનો લાભ હવે આ યુવા ખેલાડીઓ લઈ રહ્યા છે.
MaSterclass of Wicket Keeping 101! 📚🗣️#WhistlePodu #Yellove pic.twitter.com/zx3ZSEpBx2
— Chennai Super Kings (@ChennaiIPL) March 25, 2026
CSK માટે વાપસીનો પડકાર
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ગત બે સિઝન ઘણી નિરાશાજનક રહી છે. IPL 2025માં ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી અને છેલ્લા બે વર્ષથી ‘યલો આર્મી’ પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકી નથી. ગત સિઝનમાં ટીમે 14 મેચોમાંથી માત્ર 4માં જીત મેળવી હતી, જ્યારે 10માં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, આ વર્ષે ધોનીના માર્ગદર્શન હેઠળ ટીમ ફરી એકવાર ટ્રોફી તરફ આગળ વધવા અને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે.
