મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાંથી માનવ હાડપિંજર અને કંકાલ મળી આવતા ચકચાર મચી છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ માનવ હાડપિંજર કોનું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
વાસ્તવમાં મામલો વર્ધાના આરવી વિસ્તારની કદમ હોસ્પિટલનો છે. ગેરકાયદે ગર્ભપાત કેસની તપાસ માટે પોલીસ અહીં આવી હતી ત્યારે બાયોગેસ પ્લાન્ટની તપાસ કરતાં તેઓના હોશ ઉડી ગયા હતા. પ્લાન્ટમાંથી 11 માનવ ખોપરી અને 56 ગર્ભના હાડકાં મળી આવ્યા હતા. પોલીસે હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીનના કાગળ જપ્ત કર્યા છે. તે જ સમયે, પોલીસે જણાવ્યું હતું કે 13 વર્ષની છોકરીના ગેરકાયદેસર ગર્ભપાત માટે હોસ્પિટલના ડૉક્ટર રેખા કદમ અને એક નર્સની પણ ધરપકડ કરવામાં આવી છે.
કદમ હોસ્પિટલમાં 13 વર્ષની સગીર ગર્ભવતી બનીને રૂ. 30,000માં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પછી પીડિત છોકરીના માતા-પિતા અને આરોપી છોકરા વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે તેનો પર્દાફાશ થયો અને પોલીસે ગર્ભપાત કરવા બદલ ડો.રેખા કદમ સહિત સગીર યુવક અને તેના માતા-પિતાની ધરપકડ કરી.
પોલીસનું કહેવું છે કે તમામ હાડપિંજરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે એ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે હોસ્પિટલે આ ભ્રૂણનો કાયદેસર રીતે કે ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવ્યો હતો. પોલીસનું કહેવું છે કે હોસ્પિટલ પ્રશાસને 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીનો ગર્ભપાત કરાવતા પહેલા અધિકારીઓને જાણ કરી ન હતી.