છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ ભવિષ્યનિર્માણકારી લડત: નારાયણપુર એન્કાઉન્ટરમાં 27 નક્સલીઓ ઠાર, 1 કરોડના ઈનામદાર બસવા રાજુ સહિત
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં 21 મેના રોજ સુરક્ષા દળોએ નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. અબુઝમાડ વિસ્તારના માડ ડિવિઝનમાં સવારથી ચાલેલી ભારે અથડામણમાં સુરક્ષા દળોએ 27 નક્સલીઓને ઠાર માર્યા, જેમાં ભારત સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો મુખ્ય નક્સલી નેતા બસવા રાજુ પણ મારાયો.
આ એન્કાઉન્ટર દરમિયાન એક બહાદુર સૈનિક શહીદ થયો અને એક ઘાયલ થયો છે. સમગ્ર ઓપરેશનમાં DRG નારાયણપુર, દાંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવની સંયુક્ત ટીમોએ ભાગ લીધો હતો. રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ આ ઘટનાને “મોટી સફળતા” તરીકે વખાણી હતી અને જણાવ્યું કે આ કામગીરી સુકમા અને બીજાપુર ક્ષેત્રને નક્સલમુક્ત બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગથિયું છે.
બસવા રાજુ, જેને અનેક ઉપનામોથી ઓળખવામાં આવતો હતો (જેમ કે નમ્બલ્લા કેશવ રાવ, વિજય, બીઆર વગેરે), સીપીઆઈ માઓવાદી સંગઠનના મહાસચિવ અને સેન્ટ્રલ કમિટીના સભ્ય હતા. તેઓ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમના રહેવાસી હતા અને 2012 તથા 2019ના બે NIA કેસમાં વોન્ટેડ હતા.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે નક્સલીઓને હથિયાર છોડી દેશની મુખ્યધારા સાથે જોડાવા અને શાંતિપૂર્ણ માર્ગ અપનાવા અપીલ કરી છે. ગૃહમંત્રી વિજય શર્માએ કહ્યું કે સરકાર નક્સલીઓ વિરુદ્ધ લડવા મજબૂર છે પરંતુ શાંતિ માટે દરવાજા હમેશાં ખુલ્લા છે.
આ એન્કાઉન્ટર પહેલાનું બીજાપુરના કેરેગુટ્ટાલુમાં 31 નક્સલીઓના મૌત સાથે જોડાયેલું ઓપરેશન પણ મહત્વપૂર્ણ રહ્યું હતું, જેમાં 150 થી વધુ બંકરો તોડી પાડવામાં આવ્યા અને વિસ્ફોટક સામગ્રી સાથે ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો હતો.