National Sports Day: રાષ્ટ્રીય રમત દિવસ પર ખેલ મંત્રીએ દેશવાસીઓને આપી ખાસ સલાહ, વર્ષ 2047 માટે કરી મોટી જાહેરાત
National Sports Day: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ રમત દિવસ પર નેશનલ સ્ટેડિયમ ખાતે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ દર વર્ષે 29 ઓગસ્ટે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે, જેની શરૂઆત વર્ષ 2012માં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે પણ હાજર હતા. શ્રદ્ધાંજલિ આપ્યા પછી, માંડવિયા અને ખડસે ફિટનેસ અને રમતગમતના સંદેશને પ્રમોટ કરવા જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ગયા હતા. સભાને સંબોધતા રમતગમત મંત્રીએ કહ્યું કે, “આપણે 2047માં જ્યારે આપણી આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરીશું ત્યારે આપણે આપણા દેશને ‘વિકસિત ભારત’ બનાવવો પડશે.”
તેમણે વધુમાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘જો ખેલંગે, વો ખિલેંગે’ના વિઝનને અનુરૂપ આપણે બધાએ રમતગમતને સક્રિયપણે અપનાવવી જોઈએ. “વૈશ્વિક સ્તરે સૌથી યુવા દેશોમાંના એક તરીકે, રમતગમત દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું એ આપણી પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે.”
શારીરિક પ્રવૃત્તિ પર ભાર મૂકતા માંડવીયાએ સાયકલ ચલાવવાની હિમાયત કરી હતી.
તેમણે કહ્યું, “સાયકલિંગ એ માત્ર શ્રેષ્ઠ કસરત જ નથી પરંતુ ટૂંકા અંતર માટે પરિવહનનું એક પર્યાવરણ-મૈત્રીપૂર્ણ માધ્યમ પણ છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે તે એક શક્તિશાળી સાધન છે. સાયકલ ચલાવવું એ પ્રદૂષણનો શ્રેષ્ઠ ઉપાય છે.”
બંને મંત્રીઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના અધિકારીઓ સાથે ફ્રેન્ડલી મેચમાં ભાગ લીધો હતો. જેએલએન સ્ટેડિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઇન્ડોર અને આઉટડોર રમતગમત પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. સામૂહિક ઉત્સાહ દર્શાવતા, લગભગ 700 SAI કર્મચારીઓએ દિવસના રમતગમતના કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. પ્રવૃત્તિઓની વિવિધતામાં સ્પર્ધાત્મક મેચો અને મનોરંજક રમતોનો સમાવેશ થાય છે, જે નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને રમતગમતની ભાગીદારીનું મહત્વ દર્શાવે છે.