આચ્છાદન અપનાવો અને જમીનને બનાવો જીવંત, ભેજદાર અને પોષકતત્વોથી સમૃદ્ધ
આજના યુગમાં જ્યારે જળ અને જમીનનું પ્રદૂષણ વધી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ એક આશાનું કિરણ છે. પ્રાકૃતિક ખેતીના ચાર મુખ્ય સ્તંભો પૈકી ‘આચ્છાદન’ ત્રીજો અને અત્યંત મહત્વનો સ્તંભ છે. આચ્છાદન એટલે જમીનની ઉપરની સપાટીને કુદરતી કવચથી ઢાંકવાની પ્રક્રિયા. આ પદ્ધતિ જમીનમાં રહેલા અસંખ્ય સૂક્ષ્મ જીવો અને દેશી અળસિયાને કાળઝાળ ગરમી, ઠંડી, વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવા બાહ્ય જોખમોથી બચાવે છે, જેથી જમીનમાં એક પોષક ‘સૂક્ષ્મ વાતાવરણ’ તૈયાર થાય છે.
આચ્છાદનના મુખ્ય પ્રકારો અને તેની રીતો
ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ મુખ્યત્વે ત્રણ રીતે આચ્છાદન (મલ્ચિંગ) કરી શકે છે:
૧. મૃદાચ્છાદાન: જેમાં ખેડ કરીને જમીનની ઉપરની સપાટીને માટી અને વનસ્પતિના અવશેષોથી ઢાંકવામાં આવે છે.
૨. કાષ્ટાચ્છાદાન: અગાઉના પાકના અવશેષો, સૂકા પાંદડા કે લાકડાના વેરથી જમીનને ઢાંકવાની આ રીત ખૂબ જ પ્રચલિત છે.
૩. સજીવાચ્છાદાન: આ પદ્ધતિમાં મુખ્ય પાકની સાથે આંતરપાક કે મિશ્રપાકનું વાવેતર કરવામાં આવે છે, જે જમીન પર જીવંત લીલું આવરણ બનાવે છે.
જમીનની ફળદ્રુપતામાં આચ્છાદનનો ફાળો
આચ્છાદન જમીનની ઊર્જાશક્તિ બચાવવાનું મહત્વનું કાર્ય કરે છે. વનસ્પતિના અવશેષો જમીન પર પથરાયેલા હોવાથી તેનું ધીમે-ધીમે કોહવાણ થાય છે, જેના પરિણામે જમીનમાં ‘સેન્દ્રીય કાર્બન’નું પ્રમાણ વધે છે. આ પ્રક્રિયાથી જમીનમાં જીવદ્રવ્યનું નિર્માણ થાય છે અને અળસિયા જમીનની ઉપરની સપાટી પર સક્રિય થાય છે. આનાથી જમીન મુલાયમ અને પોચી બને છે, જે મૂળના વિકાસ માટે અત્યંત અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
આચ્છાદનથી થતા આર્થિક અને પર્યાવરણીય ફાયદા
આચ્છાદન માત્ર જમીન જ નહીં, પણ ખેડૂતના ખિસ્સાને પણ ફાયદો કરાવે છે. તે સૂર્યપ્રકાશને સીધો જમીન પર પડતો અટકાવે છે, જેથી બિનજરૂરી નીંદણના બીજ અંકુરિત થઈ શકતા નથી અને ખેડૂતને નીંદામણના ખર્ચમાં મોટી બચત થાય છે. બાષ્પીભવન ઘટવાને કારણે જમીનમાં ભેજ લાંબો સમય જળવાઈ રહે છે, જેનાથી પિયતના પાણીની ૫૦% થી ૭૦% સુધી બચત થાય છે. જમીનનો કાર્બન હવામાં મુક્ત થતો નથી, જે પર્યાવરણના રક્ષણમાં પણ સહાયરૂપ બને છે.

