સમરસ ચૂંટણીથી નવલપુરમાં મહિલા નેતૃત્વની નવી ગાથા
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાનું નાનકડું નવલપુર ગામ આજે સમગ્ર ગુજરાત માટે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. અહીંની ગ્રામ પંચાયતમાં સરપંચથી લઈને સભ્યો સુધીના તમામ પદો પર મહિલાઓ બિનહરીફ ચૂંટાઈને આવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ પણ આ જ ગામના વતની હોવાથી તેમના માર્ગદર્શન હેઠળ ગામ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. રાજકીય વિરોધને બાજુ પર મૂકીને ગ્રામજનોએ એકતા અને સમરસતાનો માર્ગ અપનાવીને ગામનું સુકાન નારી શક્તિને સોંપ્યું છે.
સ્માર્ટ વિલેજ અને જળ સંચયના આધુનિક પ્રકલ્પો
નવલપુર આજે સીસીટીવી કેમેરાથી સજ્જ એક સુરક્ષિત અને સ્માર્ટ પંચાયત તરીકે ઉભરી આવ્યું છે. નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડ્યા બાદ હવે પાણી બચાવવા માટે ઘરે-ઘરે મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગામના તમામ ખેડૂતોએ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને જળ બચાવનો સંદેશ આપ્યો છે. ગામના તળાવનું બ્યુટીફિકેશન કાર્ય પ્રગતિમાં છે, જ્યાં એકતાના પ્રતીક રૂપે સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનું આયોજન કરાયું છે.
પર્યાવરણ જતન અને ગ્રે વોટર ટ્રીટમેન્ટમાં અગ્રેસર
ગ્રીન વિલેજની સંકલ્પનાને સાકાર કરવા નવલપુરમાં દસ હજાર વૃક્ષો સાથે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. વીજળીની બચત માટે મોટાભાગના ઘરો સોલાર એનર્જીથી સજ્જ છે અને સો ટકા વેરા વસૂલાત સાથે ગામ આત્મનિર્ભર બન્યું છે. સ્વચ્છતા બાબતે પણ ગામ જાગૃત છે, જ્યાં ભૂગર્ભ ગટર અને વેસ્ટ મેનેજમેન્ટની સચોટ વ્યવસ્થા કરવામાં આવી છે. ગંદા પાણીને રિ-યુઝ કરીને તેમાંથી ખાતર બનાવી પંચાયત આર્થિક ઉપાર્જન કરે તે દિશામાં પણ સફળ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
શિક્ષણ અને ડિજિટલ સુવિધાઓથી સજ્જ ગામડું
ગામની પશુપાલન સમૃદ્ધિને જાળવવા મહિલાઓએ ઉકરડા ખસેડીને ગામની બહાર ગોબર બેંકનું નિર્માણ કર્યું છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં ટૂંક સમયમાં થ્રીડી પ્લેનેટોરિયમ હોલ અને ડિજિટલ લાઈબ્રેરી તૈયાર કરવામાં આવશે. પંચાયતના સીએસસી સેન્ટર દ્વારા ગ્રામજનોને ૧૮૦થી વધુ સરકારી સેવાઓ આંગણના ટેરવે મળી રહી છે. નવલપુરની આ મહિલા પંચાયતે સાબિત કરી દીધું છે કે જો પારદર્શિતા અને સહકાર હોય તો લોકશાહી સાચા અર્થમાં વિકાસનો ઉત્સવ બની શકે છે.


