દક્ષિણ ગુજરાતમાં તેના નિર્ધારિત સમય કરતાં વહેલી ગરમી ચાલુ થઈ જતા કેરી ખરવાની શરૂઆત થઈ જતા કેરીના પાકના ઉતારા ઉપર અસર થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. નવસારી જિલ્લામાં લગભગ 35 હજાર હેકટર જમીનમાં કેરીનો પાક લેવામાં આવે છે આ પાક ઉપર શિયાળાની ઠંડી બાદ ગરમીની પણ અસર થાય છે. આ બન્નેની કેરીના પાકના સમય ઉપરાંત જથ્થા ઉપર પણ અસર થાય છે. કેરીના પ્રથમ ફાલમાં જે કેરીમાં ગોટલી આવી નથી ત્યાંજ તાપમાન વધતા કેરીનું ખરણ શરૂ થયું છે અને વધુ થઈ શકે છે.
બે સમયના તાપમાનનો ગેપ 23 ડિગ્રી
હાલ મળસ્કેના લઘુત્તમ તાપમાન અને બપોરના મહત્તમ તાપમાન વચ્ચેનો ગેપ પણ ખૂબ વધ્યો છે. હાલ જ્યાં બપોરના સમયે મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહે છે ત્યાં લઘુત્તમ તાપમાન વહેલી સવારે 14 ડિગ્રીની આસપાસ રહે છે. આમ એક જ દિવસના બે અલગ અલગ તાપમાનનો ગેપ 23 ડિગ્રી રહેતો હોય જે કેરીના પાક માટે નુકસાનકર્તા છે.
છેલ્લા ચાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કેરીનો પાક સારો છે પણ વહેલી ગરમીની શરૂઆત કેરીના ઉતારા ઉપર અસર કરી શકે છે.
ભારે ગરમીના કારણે જ્યાં કેરીમાં ગોટલી નથી બની તેવા બગીચામાં ખરણ થવાનું શરૂ થયું છે ઉપરાંત નવું ફ્લાવરિંગ જ્યાં છે ત્યાં પણ જો અઠવાડિયું વધુ ગરમી પડશે તો પાકમાં નુકશાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
આમ,હવામાનમાં આવેલા આ પ્રકારના બદલાવને પગલે કેરીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
મહત્વનું છે કે કેરીનું ખરણ થવા પાછળ જે પરિબળો જવાબદાર છે તેમાં વાદિળયું વાતાવરણ, ધુમ્મસ કે કમોસમી વરસાદન કારણે , તોફાની પવનને કારણે અને ફેબ્રુઆરીથી લઈ માર્ચ-એપ્રિલ માસ દરમિયાન વધુ તાપમાન કેરીના ખરણ માટે જવાબદાર બને છે.