મોદી સરકાર દ્વારા રૂ.500 અને રૂ.1000ની ભારતીય ચલણી નોટોને ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેને આશરે બે વર્ષ થઇ ગયા છે. આમ છતાં છાસવારે જૂની ચલણી નોટો પકડાવાના કિસ્સાઓ બનતા રહે છે. નવસારીમાંથી રવિવારે મોડી રાત્રે ત્રણ કરોડથી વધારે ચલણી નોટો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. આ સાથે કાર સહિત ચાર લોકોની પણ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 ઉપર વલસાડ અને નવસારી જિલ્લા વચ્ચે ઊંડાચ ગામ આવેલું છે. જ્યાં હાઇવે ઉપરથી કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો ભરીને મહારાષ્ટ્ર પાર્સિંગની એક કાર પસાર થવાની બાતમી હતી.
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અને તેમની ટીમે હાઇવે ઉપર વોચ ગોઠવી હતી. અને ચોક્કસ કાર પસાર થતાં તેને રોકવામાં આવી હતી. જેની તપાસ કરતા કારમાંથી કરોડો રૂપિયાની જૂની ચલણી નોટોનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે જૂની નોટો અને કારને જપ્ત કરી ચાર લોકોની અટકાત કરી હતી. ત્યારબાદ તમામને વધુ તપાસ માટે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાલે લઇ જવામાં આવ્યા હતા.