નવસારીમાં ચકચાર જગાવનારી ઘટનામાં સરાજાહેર કોર્ટ પરિસરમાં મહિલાએ વકીલને ગડદાપાટૂનો માર મારતાં ભારે ઉહાપોહ મચી ગયો છે. મહિલા સાથે વકીલની વકીલાતની ફી બાબતે વાતચીત ચાલી રહી હતી અને વકીલ દ્વારા બિભત્સ માંગણી કરવામાં આવતા ઉશ્કેરાયેલી મહિલાએ વકીલને બરાબરનો ધીબેડી નાંખ્યો હતો.
નવસારીના વકીલ કનુ સુખડીયા અને મહિલાની બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા દ્વારા વકીલ સુખડીયાને કોલરમાંથી પકડીને હાથ અને લાતનાં ઘૂસા મારવામાં આવી રહ્યા હોવાનું દેખાય છે. અન્ય લોકો મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતાં હોય એમ જણાય છે અને કેટલાક લોકો ઘટનાને રેકોર્ડ કરી રહ્યા હોય એમ લાગે છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ વકીલ કનુ સુખડીયાની હાલત કફોડી થઈ ગઈ છે. એવું કહેવાય છે કે ફીના બદલામાં વકીલ સુખડીયાએ વલ્ગર માંગણી કરતાં મહિલાએ પોતાનો પિત્તો ગૂમાવ્યો હતો અને વકીલને મારવા લાગી હતી. વકીલ સુખડીયા પોતાનો બચવા કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ પોતાનો કોલર છોડાવી શક્યા ન હતા. છેવટે કેટલાક વકીલોએ વચ્ચે પડીને કનુ સુખડીયાને છોડાવ્યા હતા. ઘટના બાદ મહિલાએ નવસારી ટાઉન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે 354 મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે વકીલ કનુ સુખડીયાએ પણ મહિલાની વિરુદ્વ વકીલ મંડળમાં ફરીયાદ કરી છે.