બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સે વધાર્યા FD દરો: જાણી લો વરિષ્ઠ નાગરિકો અને સામાન્ય રોકાણકારો માટે નવા દરો
જે રોકાણકારો જોખમ લીધા વિના પોતાની બચત પર સુરક્ષિત અને નિશ્ચિત વળતર મેળવવા માંગે છે, તેમના માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હંમેશાં રોકાણનો સૌથી પ્રિય અને લોકપ્રિય વિકલ્પ રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં રેપો રેટમાં કરાયેલા ફેરફારો બાદ દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) એ પોતાની એફડી યોજનાઓના વ્યાજ દરોમાં મોટો સુધારો કર્યો છે.
હાલમાં કેટલીક એનબીએફસી કંપનીઓ દ્વારા રોકાણકારોને ૮.૩૫ ટકા સુધીનું ઊંચું વાર્ષિક વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં રોકાણકારોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું માત્ર ઊંચા વળતરની લાલચમાં એનબીએફસી એફડીમાં પૈસા જમા કરાવવાનો નિર્ણય યોગ્ય છે કે કેમ?
બજાજ અને શ્રીરામ ફાઇનાન્સના નવા વ્યાજ દરો
દેશની પ્રમુખ એનબીએફસી બજાજ ફાઇનાન્સે તેના એફડી વ્યાજ દરોમાં ૧૫ થી ૪૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે, જે ૭ ઓક્ટોબર ૨૦૨૬ થી સત્તાવાર રીતે અમલમાં આવી ચૂક્યો છે. આ ફેરફાર બાદ હવે સામાન્ય રોકાણકારોને ૩૧ થી ૬૦ મહિનાની પાકતી મુદતવાળી એફડી પર મહત્તમ વાર્ષિક ૭.૭૫ ટકા વ્યાજ મળી રહ્યું છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ દર ૮.૧૫ ટકા સુધી પહોંચ્યો છે. કંપનીએ એક વર્ષની ટૂંકી મુદતની એફડી પરનો દર પણ ૬.૬૦ ટકાથી વધારીને ૬.૮૦ ટકા કર્યો છે.
બીજી તરફ, શ્રીરામ ફાઇનાન્સે પણ ૧૧ ઓક્ટોબરથી પોતાના નવા દરો લાગુ કર્યા છે. સામાન્ય રોકાણકારો કંપનીની ૩૬ થી ૬૦ મહિનાની ડિપોઝિટ યોજનાઓ પર મહત્તમ વાર્ષિક ૭.૮૫ ટકા વ્યાજ મેળવી શકે છે. પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરિકોને નિયમો અને શરતો મુજબ ૫૦ બેસિસ પોઈન્ટ્સનું વધારાનું વ્યાજ મળે છે, જેનાથી વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર ૮.૩૫ ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે.
બેંક એફડી વિરુદ્ધ એનબીએફસી એફડી: ક્યાં વધુ સુરક્ષા?
રોકાણ ક્ષેત્રના નિષ્ણાતો ચેતવણી આપે છે કે માત્ર ઊંચા વ્યાજ દર જોઈને રોકાણનો આખરી નિર્ણય લેવો એ નાણાકીય દ્રષ્ટિએ બિલકુલ સમજદારીભર્યું નથી. બેંક એફડી અને એનબીએફસી એફડી વચ્ચેનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ તફાવત થાપણોની સુરક્ષાનો છે. રિઝર્વ બેંકની પેટાકંપની DICGC ના નિયમો હેઠળ, લાયક બેંકોમાં જમા થયેલી થાપણો પર પ્રતિ બેંક, પ્રતિ થાપણદાર મહત્તમ ₹૫ લાખ સુધીનું વિમા કવરેજ (મુદ્દલ અને વ્યાજ સહિત) મળે છે.
પરંતુ, આ સરકારી વિમા કવરેજનો લાભ એનબીએફસી એફડી માટે ઉપલબ્ધ હોતો નથી. તેથી કોઈપણ એનબીએફસીમાં નાણાં રોકતા પહેલાં તે કંપનીનું ક્રેડિત રેટિંગ (જેમ કે AAA અથવા AA+), કંપનીની નાણાકીય સ્થિતિ, ભૂતકાળનો ચુકવણી રેકોર્ડ અને ઇમરજન્સીમાં વહેલા પૈસા ઉપાડવાના નિયમોની વિગતવાર તપાસ કરવી અનિવાર્ય છે. વધારે વ્યાજદર અવારનવાર વધારે જોખમ સાથે આવતો હોય છે.
‘એફડી લેડરિંગ’ અને સાવચેતીની રણનીતિ
ભવિષ્યમાં વ્યાજ દરોમાં થનારા ફેરફારો સામે રક્ષણ મેળવવા માટે નિષ્ણાતો ‘FD લેડરિંગ’ (FD Laddering) પદ્ધતિ અપનાવવાની સલાહ આપે છે. આ પદ્ધતિ હેઠળ પોતાની સમગ્ર રકમ એક જ લાંબા ગાળાની એફડીમાં રોકવાને બદલે અલગ-અલગ મુદતની એફડીમાં વહેંચી દેવી જોઈએ.
ઉદાહરણ તરીકે, પોતાની બચતને એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષની જુદી જુદી એફડીમાં રોકી શકાય. આનાથી ભવિષ્યમાં જરૂર પડ્યે કટોકટી વખતે લિક્વિડિટી (રોકડ) ઉપલબ્ધ રહેશે અને જો ભવિષ્યમાં વ્યાજ દરો વધુ વધશે તો તે વધેલા દરે ફરીથી રોકાણ કરવાનો શ્રેષ્ઠ તક પણ મળશે. ઉપરાંત, હાલની જૂની એફડી તોડીને નવી યોજનામાં જતા પહેલાં પેનલ્ટી, ટેક્સ ડિડક્શન (TDS) અને વાસ્તવિક ચોખ્ખા વળતરની ગણતરી ચોક્કસ કરી લેવી જોઈએ.
