ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027: બેઠકો વધવાની શક્યતા, તે પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે
ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બની છે. પંદરમી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ હવે સૌની નજર નવા પ્રદેશ ભાજપ પ્રમુખની જાહેરાત પર છે. સૂત્રો અનુસાર, આગામી નવરાત્રી દરમિયાન નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે. આ જાહેરાત બાદ, ગુજરાતના મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો અને વિસ્તરણ થવાની શક્યતા છે.
નવા પ્રદેશ પ્રમુખ તરીકે ગોરધન ઝડફિયા, પ્રદીપસિંહ જાડેજા, ભરત બોધરા, અને દુષ્યંત પટેલ જેવા નેતાઓના નામ ચર્ચામાં છે. આ સાથે જ, વર્તમાન મંત્રીમંડળમાં પણ મોટા ફેરફારો થવાની સંભાવના છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે બચુભાઈ ખાબડ અને ભીખુસિંહ પરમાર જેવા કેટલાક મંત્રીઓનું પદ જઈ શકે છે. રાજકોટમાંથી ઉદય કાનગડને મંત્રી પદ મળવાની પણ શક્યતા છે. એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓને બદલીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે.
વર્તમાન મંત્રીમંડળની વહીવટી કામગીરીથી ખુદ ભાજપના જ ઘણા ધારાસભ્યો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, જેના કારણે કેટલાક ધારાસભ્યોએ સચિવાલય આવવાનું પણ બંધ કરી દીધું છે. આ નારાજગીને દૂર કરવા અને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત કરવા માટે આ ફેરફારો જરૂરી માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો અનુસાર, 2027ની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની બેઠકોની સંખ્યા 182 થી વધીને 240 થવાની પૂરેપૂરી શક્યતા છે. આ માટે નવા સભ્ય નિવાસ પણ બનાવવામાં આવી રહ્યા છે.