ઈરાન: નોબેલ વિજેતા નરગીસ મોહમ્મદીની સજામાં 7.5 વર્ષનો વધારો; કુલ જેલની અવધિ હવે 44 વર્ષ થઈ
ઈરાનમાં મહિલાઓના અધિકારો અને માનવાધિકાર માટે અવાજ ઉઠાવનાર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. મશહદની એક અદાલતે તેમને બે અલગ-અલગ કેસોમાં કુલ સાડા સાત વર્ષની વધારાની જેલની સજા ફટકારી છે. તેમના વકીલ મુસ્તફા નીલીએ પુષ્ટિ કરી છે કે, આ ચુકાદો તેમની તાજેતરની ભૂખ હડતાળ અને બગડતી તબિયત વચ્ચે આવ્યો છે.
સજાની વિગત અને અદાલતની કાર્યવાહી
નરગીસના વકીલના જણાવ્યા અનુસાર, તેમને ‘રાષ્ટ્રીય સુરક્ષા સામે મિલીભગત’ માટે છ વર્ષ અને ‘સરકાર વિરુદ્ધ પ્રચાર’ માટે દોઢ વર્ષની જેલની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત, તેમના પર બે વર્ષનો પ્રવાસ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને તેમને જેલમુક્તિ પછી બે વર્ષ માટે પૂર્વ ઈરાનના અંતરિયાળ શહેર ખુસ્ફમાં દેશનિકાલ (exile) માં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નરગીસ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, આ નવી સજાઓ પછી તેમની કુલ આદેશિત જેલની અવધિ હવે 44 વર્ષ સુધી પહોંચી ગઈ છે. શનિવારે યોજાયેલી આ સુનાવણી દરમિયાન, નરગીસએ પોતાનો બચાવ કરવાની કે કોઈ પણ નિવેદન આપવાની ના પાડી દીધી હતી. તેમના પતિ તઘી રહેમાનીએ જણાવ્યું કે, નરગીસ આ ન્યાયતંત્રને માન્ય રાખતી નથી અને આ સમગ્ર પ્રક્રિયાને એક ‘દેખાવો’ માને છે.
ભૂખ હડતાળ અને કથળતું સ્વાસ્થ્ય
જેલની ખરાબ સ્થિતિ અને વકીલો તથા પરિવાર સાથે ફોન પર વાત કરવાની મંજૂરી ન મળવાના વિરોધમાં નરગીસએ 2 ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ શરૂ કરી હતી. જોકે, તેમણે તેમની છ દિવસ લાંબી ભૂખ હડતાળ હવે સમાપ્ત કરી દીધી છે, પરંતુ સમર્થકોનું કહેવું છે કે તેમની શારીરિક સ્થિતિ “અત્યંત ચિંતાજનક” છે. તેમને તાજેતરમાં હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પૂરી થાય તે પહેલા જ પરત સુરક્ષા કેન્દ્રમાં મોકલી દેવાયા હતા.
ધરપકડનું કારણ
53 વર્ષીય નરગીસ મોહમ્મદીની ડિસેમ્બર 2025 માં મશહદમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેઓ માનવાધિકાર વકીલ ખુસરો અલીકોર્દીની શોક સભામાં સામેલ થવા ગયા હતા. અધિકારીઓએ તેમના પર ‘ભડકાઉ ટિપ્પણી’ કરવાનો અને ‘શાંતિ ભંગ કરવાનો’ આરોપ લગાવ્યો હતો. પરિવારનો આરોપ છે કે આ ધરપકડ દરમિયાન તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.
એક દાયકાથી જેલમાં
નરગીસ મોહમ્મદીને 2023 માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, પરંતુ જેલની સજાને કારણે તેઓ આ પુરસ્કાર લેવા ઓસ્લો જઈ શક્યા નહોતા. તેઓ છેલ્લા એક દાયકાનો મોટાભાગનો સમય જેલના સળિયા પાછળ જ વિતાવી ચૂક્યા છે અને 2015 થી તેમના જોડિયા બાળકોને મળી શક્યા નથી, જેઓ પેરિસમાં રહે છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને અન્ય માનવાધિકાર સંગઠનોએ તેમની તાત્કાલિક અને બિનશરતી મુક્તિની માંગ કરી છે, એવી દલીલ સાથે કે તેમને માત્ર તેમના શાંતિપૂર્ણ માનવાધિકાર કાર્યો માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

