દુનિયાની દિગ્ગજ ટેક કંપની Nvidia પર સાયબર હુમલાનો ખતરો! હેકર્સે આપી 10 દિવસની મહોલત, ચોરી કરેલો ડેટા જાહેર કરવાની ધમકીથી ખળભળાટ
દુનિયાની અગ્રણી ટેકનોલોજી કંપની Nvidia ફરી એકવાર સાયબર સુરક્ષાને લઈને ચર્ચામાં આવી છે. કંપની પર રેન્સમવેર હુમલાનો ખતરો ઊભો થયો છે. ‘The Gentlemen’ નામના હેકર્સના એક જૂથે Nvidiaનો કથિત ડેટા ચોરી કર્યો હોવાનો દાવો કરીને કંપનીને 10 દિવસથી ઓછો સમય આપ્યો છે. જો આ સમયમર્યાદામાં તેમની માગણીઓ અંગે કોઈ સમાધાન નહીં થાય તો ચોરી કરવામાં આવેલો ડેટા જાહેર કરવાની ધમકી આપવામાં આવી છે. આ સમાચાર સામે આવ્યા બાદ ટેકનોલોજી જગતમાં ચિંતા વધી છે.
ખાસ વાત એ છે કે Nvidia વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપનીઓમાંની એક છે. આ કંપનીના પ્રોસેસર અને ગ્રાફિક્સ કાર્ડનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર, ગેમિંગ અને અનેક આધુનિક ટેકનોલોજીમાં થાય છે. આવી સ્થિતિમાં કંપનીના ડેટાની સુરક્ષા અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે.

હેકર્સે ડાર્ક વેબ પર મૂકી કંપનીની માહિતી
મીડિયા અહેવાલો અનુસાર, The Gentlemen નામના સાયબર ગુનેગાર જૂથે પોતાની ડાર્ક વેબ લીક વેબસાઇટ પર Nvidiaનું નામ મૂક્યું છે. કંપનીના નામની સાથે એક કાઉન્ટડાઉન ટાઈમર પણ દર્શાવવામાં આવ્યું છે. આ ટાઈમર મુજબ હેકર્સે કથિત ડેટા જાહેર કરવા માટે લગભગ 234 કલાક એટલે કે 10 દિવસથી ઓછો સમય રાખ્યો હતો.
હેકર્સે વાતચીત અને સંભવિત સમાધાન માટે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મનો સંપર્ક પણ આપ્યો છે. જોકે, સૌથી મહત્ત્વની બાબત એ છે કે અત્યાર સુધી હેકર્સે ચોરી કરવામાં આવેલા ડેટાની કોઈ ફાઇલ, સેમ્પલ કે નક્કર પુરાવો જાહેર કર્યો નથી.
આથી Nvidiaનો ડેટા ખરેખર ચોરી થયો છે કે નહીં તે અંગે હજુ સવાલો ઊભા છે.
Nvidiaએ હજુ સુધી હુમલાની પુષ્ટિ કરી નથી
આ સમગ્ર મામલે Nvidia તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર રીતે ડેટા લીક કે રેન્સમવેર હુમલાની પુષ્ટિ કરવામાં આવી નથી. સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, હેકર્સ દ્વારા કરવામાં આવતા દરેક દાવાને સાચો માની લેવો યોગ્ય નથી.
નિષ્ણાત અરાસ નઝારોવાસે પણ જણાવ્યું છે કે જ્યાં સુધી હેકર્સ કોઈ વાસ્તવિક ડેટા સેમ્પલ રજૂ ન કરે ત્યાં સુધી આ દાવાની વિશ્વસનીયતા નક્કી કરવી મુશ્કેલ છે. શક્ય છે કે ડેટા અન્ય કોઈ કંપનીનો હોય અથવા અગાઉની કોઈ ઘટના સાથે સંબંધિત હોય.
કોણ છે The Gentlemen હેકર્સ જૂથ?
The Gentlemen જૂથ વર્ષ 2025ની આસપાસ સક્રિય થયું હતું. આ જૂથ રેન્સમવેર-એઝ-એ-સર્વિસ મોડલ પર કામ કરે છે. એટલે કે જૂથ પોતાનાં હેકિંગ ટૂલ્સ અન્ય સાયબર ગુનેગારોને ઉપલબ્ધ કરાવે છે અને તેના બદલામાં મળેલી ખંડણીમાંથી મોટો હિસ્સો મેળવે છે.
અહેવાલો અનુસાર, આ જૂથ અત્યાર સુધી 95 દેશોમાં 1,100થી વધુ સંસ્થાઓને નિશાન બનાવવાનો દાવો કરી ચૂક્યું છે. MoneyGram, Glassdoor, LA Metro અને યુરોપિયન કંપનીઓનાં નામ પણ તેના અગાઉના દાવાઓમાં સામેલ રહ્યાં છે.
રેન્સમવેર હુમલામાં સામાન્ય રીતે હેકર્સ કંપનીના કમ્પ્યુટર નેટવર્કમાં ઘૂસીને મહત્વપૂર્ણ માહિતી ચોરી કરે છે. ત્યારબાદ ડેટા જાહેર કરવાની અથવા સિસ્ટમને નુકસાન પહોંચાડવાની ધમકી આપીને ખંડણી માગવામાં આવે છે.

અગાઉ પણ Nvidia પર થયો હતો સાયબર હુમલો
આ પહેલીવાર નથી જ્યારે Nvidia સાયબર હુમલાનો સામનો કરી રહી હોય. વર્ષ 2022માં Lapsus$ નામના હેકર્સ જૂથે કંપનીની કેટલીક સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને કર્મચારીઓના લોગિન સંબંધિત માહિતી અને કંપનીની માલિકીની કેટલીક ગુપ્ત માહિતી ચોરી કરી હતી. તે સમયે Nvidiaએ પણ સાયબર સુરક્ષા સંબંધિત ઘટનાની પુષ્ટિ કરી હતી.
AIની દુનિયામાં વધી શકે છે ચિંતા
જો આ વખતે હેકર્સનો દાવો સાચો સાબિત થાય તો કંપનીના આંતરિક દસ્તાવેજો, કર્મચારીઓની માહિતી અથવા ટેકનોલોજી સંબંધિત ગુપ્ત ડેટા લીક થવાની આશંકા છે. જોકે, હાલમાં કઈ માહિતી ચોરી થઈ હોવાનો દાવો છે તે સ્પષ્ટ નથી.
Nvidia જેવી વૈશ્વિક કંપની સામે ઊભો થયેલો આ ખતરો ફરી એકવાર દર્શાવે છે કે ડિજિટલ યુગમાં કોઈ પણ કંપની સાયબર હુમલાથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી. હવે આગામી દિવસોમાં હેકર્સ કોઈ પુરાવો રજૂ કરે છે કે નહીં અને Nvidia આ મામલે શું સત્તાવાર નિવેદન આપે છે તેના પર સમગ્ર ટેક જગતની નજર રહેશે.
