સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર: 22 વર્ષીય યુવા બોલરને પ્રથમવાર મળી તક
ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે આગામી 29 માર્ચથી ત્રણ મેચોની મહત્વની વનડે (ODI) શ્રેણી રમાવા જઈ રહી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ હોમ સિરીઝ માટે પોતાની સત્તાવાર ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું નામ 22 વર્ષીય યુવા ઝડપી બોલર કેલી નાઈટનું છે, જેમને પ્રથમ વખત વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કેલી નાઈટે તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામેની ટી20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. હવે ન્યૂઝીલેન્ડના પસંદગીકારોએ તેમના પર વિશ્વાસ મૂકીને લાંબા ફોર્મેટમાં પણ અજમાવવાનો નિર્ણય લીધો છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં કેલી નાઈટનું શાનદાર પ્રદર્શન
કેલી નાઈટની પસંદગી પાછળ તેમનું સ્થાનિક ક્રિકેટમાં અત્યંત પ્રભાવશાળી પ્રદર્શન જવાબદાર છે. તેઓ 2023માં રમાયેલા અંડર-19 ટી20 વર્લ્ડ કપમાં પણ ન્યૂઝીલેન્ડ ટીમનો ભાગ રહી ચૂક્યા છે. વર્ષ 2025-26ના સુપર સ્મેશમાં ‘નોર્ધર્ન બ્રેવ’ ટીમ તરફથી રમતા તેમણે 10 વિકેટો ઝડપી હતી, જેના કારણે તેમને ટી20 ટીમમાં સ્થાન મળ્યું હતું.
માત્ર ટી20 જ નહીં, પણ 50 ઓવરના ફોર્મેટમાં પણ કેલીનો દબદબો રહ્યો છે. ‘હેલીબર્ટન જોનસ્ટોન શીલ્ડ’ ટુર્નામેન્ટમાં તેમણે કુલ 17 વિકેટ ઝડપીને પોતાની ટીમ નોર્ધર્ન બ્રેવને પ્રથમ વખત ખિતાબ જીતવામાં મદદ કરી હતી. ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં પણ તેમણે બે મહત્વની વિકેટો ઝડપીને જીતમાં મોટું યોગદાન આપ્યું હતું. હવે સૌની નજર એ વાત પર છે કે આ યુવા ખેલાડી આંતરરાષ્ટ્રીય વનડેમાં કેવું પ્રદર્શન કરે છે.
હેડ કોચ બેન સોયરનું નિવેદન
ન્યૂઝીલેન્ડ મહિલા ટીમના મુખ્ય કોચ બેન સોયરે કેલી નાઈટના વખાણ કરતા જણાવ્યું હતું કે, “કેલીને વનડે ટીમમાં સામેલ કરવી એ ખૂબ જ સકારાત્મક નિર્ણય છે. તેમની પાસે સારી ઝડપ અને બોલ પર ગજબનું નિયંત્રણ છે. ખાસ કરીને તેમની શોર્ટ બોલ ફેંકવાની ક્ષમતા બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.” કોચના મતે, કેલીએ સાબિત કરી દીધું છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.
સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની સ્ક્વોડ:
એમી કેર (કેપ્ટન), સુઝી બેટ્સ, ફ્લોરા ડેવનશાયર, ઇઝી ગેઝ, મેડી ગ્રીન, બ્રૂક હોલીડે, બ્રી ઇલિંગ, જેસ કેર, કેલી નાઈટ, રોઝમેરી મેયર, નેન્સી પટેલ, જ્યોર્જિયા પ્લિમેર, ઇઝી શાર્પ.

