‘અ વે ટુ લાઇફ’ ધ્યેય સાથે ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા મિલ્ક બ્રિજથી લઈને બરતન બ્રિજ સુધી માનવ સેવા કાર્યો
૨૭ ફેબ્રુઆરીએ ‘વિશ્વ એન.જી.ઓ. દિવસ’ નિમિત્તે સમાજસેવામાં કાર્યરત સંસ્થાઓના સમર્પણને યાદ કરવામાં આવે છે. રાજકોટમાં હેમલબેન દવે દ્વારા સ્થાપિત ‘ઓજસ્વીની ફાઉન્ડેશન’ આવી જ એક સંસ્થા છે, જે ‘અ વે ટુ લાઈફ’ના ધ્યેય સાથે જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ પાથરી રહી છે. શિક્ષણ, આરોગ્ય અને પોષણના વિષયો પર કેન્દ્રિત આ સંસ્થાએ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી સમાજમાં એક અનોખી ઓળખ ઊભી કરી છે.
કુપોષણ સામે લડત અને બાળકોનો સર્વાંગી વિકાસ
બાળકોના પોષણને પ્રાથમિકતા આપતા આ સંસ્થા ‘મિલ્ક બ્રિજ’ પ્રોજેક્ટ દ્વારા શ્રમિકોના બાળકોને ગાયનું દૂધ પૂરું પાડે છે. આ ઉપરાંત ‘જલારામ ખીચડી’ અને ‘વે ઓફ સેલિબ્રેશન’ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા બાળકોને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. સંસ્થા માત્ર ખોરાક જ નહીં, પણ બાંધકામ સાઇટ પર રહેતા બાળકો માટે ‘સંસ્કાર કેન્દ્ર’ ચલાવી તેમને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપી વ્યસનમુક્તિ તરફ વાળવાનું ભગીરથ કાર્ય પણ કરી રહી છે.
શિક્ષણ અને મહિલા સશક્તિકરણના અનોખા પ્રોજેક્ટ્સ
શિક્ષણ ક્ષેત્રે ‘રામહાટ’ પ્રોજેક્ટ દ્વારા સરકારી શાળાના બાળકોને નજીવી કિંમતે સ્ટેશનરી પૂરી પાડવામાં આવે છે. મહિલાઓના સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતા માટે પણ સંસ્થા એટલી જ સક્રિય છે. છેવાડાના વિસ્તારોમાં સેનેટરી પેડ વિતરણ અને માસિક ધર્મ અંગે જાગૃતિ ફેલાવવા સાથે, ‘સાડી બ્રિજ’ પ્રોજેક્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને પ્રસંગોચિત વસ્ત્રો આપવામાં આવે છે. હસ્તકલા પ્રદર્શન જેવા આયોજનો દ્વારા બહેનોને આર્થિક રીતે પગભર બનાવવામાં આવે છે.
સામાજિક જાગૃતિ અને સંસાધનોનો પુનઃ ઉપયોગ
ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા ‘બરતન બ્રિજ’ પ્રોજેક્ટ હેઠળ લોકોના ઘરે વણવપરાતા વાસણો એકઠા કરી ૬૦૦થી વધુ શ્રમિક પરિવારોને પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત બાળકોને ‘ગુડ ટચ-બેડ ટચ’ની સમજ આપી સ્વરક્ષણ માટે તૈયાર કરવામાં આવે છે. દીકરીઓના જન્મને વધાવવા માટે ‘દીકરી દીપો ભવ’ અને સરકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ અને સભ્યો સતત કાર્યરત રહે છે.

