બાબર આઝમ પર વારંવાર સવાલોથી ગુસ્સે થયા પાકિસ્તાની કોચ, પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારને સંભળાવી ખરી-ખોટી!

4 Min Read

બાબર આઝમને લઈને સવાલ પૂછતાં ગુસ્સે થયા પાકિસ્તાની કોચ, પત્રકાર સાથે થઈ ઉગ્ર બોલાચાલી!

પાકિસ્તાનના સ્ટાર બેટર બાબર આઝમનું ખરાબ ફોર્મ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જોકે, આ વખતે ચર્ચાનું કારણ માત્ર તેમની બેટિંગ નહીં, પરંતુ તેમના ફોર્મ અંગે પૂછાયેલા સવાલ પર પાકિસ્તાનના હેડ કોચ માઇક હેસનની નારાજગી પણ છે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થયા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે બાબરના ફોર્મ અંગે સવાલ કર્યો હતો. આ સાંભળીને હેસનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. તેમણે પત્રકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દરેક પ્રેસ કોન્ફરન્સમાં એક જ સવાલ પૂછવામાં આવે છે અને હવે તેઓ આ સવાલોથી કંટાળી ગયા છે. સાથે જ તેમણે બાબરના ટેસ્ટ રેકોર્ડનો બચાવ કરીને કહ્યું કે ટીમને તેની ક્ષમતા પર કોઈ શંકા નથી.

‘હવે આ સવાલોથી કંટાળી ગયો છું’, હેસને પત્રકારને આપ્યો જવાબ

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારે બાબર આઝમના તાજેતરના પ્રદર્શન અને આગામી વર્ષે યોજાનારા વનડે વર્લ્ડ કપ પહેલાં તેમની ફોર્મને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સવાલનો જવાબ આપતાં હેસન સ્પષ્ટ રીતે નારાજ દેખાયા હતા. તેમણે કહ્યું કે દરેક પ્રેસ કોન્ફરન્સમાં બાબર વિશે એક જ પ્રકારના સવાલો પૂછવામાં આવે છે.હેસને કહ્યું, “સાચું કહું તો હવે હું આ સવાલોથી કંટાળી ગયો છું. તમે દરેક પ્રેસ કોન્ફરન્સમાં એક જ સવાલ પૂછો છો. બાબરની ટેસ્ટમાં સરેરાશ લગભગ 50 છે, તેથી અમને તેની ફોર્મની ચિંતા નથી. હું તમને એ જ જવાબ આપીશ, જે અગાઉ આપી ચૂક્યો છું.”

- Advertisement -

babar.jpg

આટલું કહીને પણ હેસન અટક્યા નહોતા. તેમણે પત્રકારોને મેદાન પર ચાલી રહેલી ક્રિકેટની રમત અંગે સવાલો પૂછવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, “શું આપણે દર વખતે એક જ સવાલની ચર્ચા કરવાનું બંધ કરીને મેદાન પર રમાઈ રહેલી ક્રિકેટ વિશે વાત કરી શકીએ? પાકિસ્તાન અત્યારે સારી ક્રિકેટ રમી રહ્યું છે. તો પછી આપણે ટીમના પ્રદર્શન પર ધ્યાન કેમ ન આપીએ? હવે આગળનો સવાલ પૂછો.”

- Advertisement -

હેસનની આ પ્રતિક્રિયાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. એક તરફ બાબરના ફોર્મ અંગે સવાલો થઈ રહ્યા છે, તો બીજી તરફ કોચે ખેલાડીનો બચાવ કરીને ટીમનો વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

શ્રીલંકા સામેની શ્રેણીમાં બાબરના બેટમાંથી નીકળ્યા 92 રન

બાબર આઝમના ફોર્મ અંગે સવાલો થવાનું એક મોટું કારણ શ્રીલંકા સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં તેમનું પ્રદર્શન છે. બે ટેસ્ટની આ શ્રેણીમાં અત્યાર સુધીની ત્રણ ઇનિંગ્સમાં બાબરે કુલ 92 રન બનાવ્યા છે. તેમની સરેરાશ 30.66 રહી છે.પ્રથમ ટેસ્ટમાં બાબરે પહેલી ઇનિંગ્સમાં 50 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગ્સમાં તેઓ 34 રન કરીને આઉટ થયા હતા. આ મેચ ડ્રો રહી હતી. બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તેઓ માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકાના બોલર લાહિરુ કુમારાએ તેમને બોલ્ડ કર્યા હતા.

બાબરના ટેસ્ટ કરિયરમાં નવ સદી નોંધાયેલી છે, પરંતુ તેમની છેલ્લી ટેસ્ટ સદી ડિસેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડ સામે કરાચીમાં આવી હતી. તે મેચમાં તેમણે 280 બોલમાં 161 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ત્યારથી તેઓ ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા નથી.આ ઉપરાંત તેમની છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સમાં 8, 50, 34, 7, 76, 8, 6, 88, 24 અને 23 રન નોંધાયા છે. આ દરમિયાન તેમણે 32.40ની સરેરાશથી કુલ 324 રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામે 88 રન તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે.

- Advertisement -

babar0.jpg

પાકિસ્તાનની મજબૂત સ્થિતિ છતાં ચર્ચામાં બાબરનું ફોર્મ

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં પાકિસ્તાનની સ્થિતિ મજબૂત છે. યજમાન ટીમે પ્રથમ ઇનિંગ્સમાં શ્રીલંકાને માત્ર 98 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ પાકિસ્તાને પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 325 રન બનાવ્યા હતા. આ રીતે તેને 227 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી.બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે 3 વિકેટ ગુમાવીને 74 રન બનાવી શકી હતી. એટલે કે તે પાકિસ્તાનથી હજુ 153 રન પાછળ હતી. પાકિસ્તાનના ઝડપી બોલરોએ પણ શ્રીલંકાના બેટરો પર દબાણ જાળવી રાખ્યું હતું.

Share This Article