ઈરાન-અમેરિકા યુદ્ધની આગમાં હોમાયું પાકિસ્તાન: તેલના આયાત બિલમાં કરોડો ડોલરનો ઉછાળો, નાણામંત્રીની ચિંતા વધી
પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા જંગની સૌથી વધુ માઠી અસર પાકિસ્તાન પર પડી રહી છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) બંધ થવાના ડર અને કાચા તેલના વધતા ભાવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી છે. પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે રવિવારે એક પ્રેસ બ્રીફિંગમાં સ્વીકાર્યું હતું કે, મધ્ય પૂર્વના સંઘર્ષને કારણે દેશનું માસિક તેલ આયાત બિલ 600 મિલિયન ડોલર (આશરે 5000 કરોડ રૂપિયાથી વધુ) સુધી વધી શકે છે.
IMF પાસે ફરી મદદની ગુહાર
દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાન પોતાની ડૂબતી નૈયા બચાવવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના શરણે ગયું છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે જણાવ્યું હતું કે, તેઓ પેટ્રોલિયમ લેવી (ટેક્સ) માં રાહત મેળવવા માટે IMF ને વિનંતી કરશે. પાકિસ્તાનની સરકાર અત્યારે અમેરિકા અને ઈઝરાયેલના દબાણ અને બીજી તરફ દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગઈ છે.
તેલના ભાવ 120 ડોલર સુધી પહોંચવાની ભીતિ
રવિવારે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાણામંત્રીએ ચેતવણી આપી હતી કે જો આ યુદ્ધ વધુ લંબાશે અથવા તીવ્ર બનશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિ પાકિસ્તાન માટે આર્થિક રીતે આત્મઘાતી સાબિત થઈ શકે તેમ છે, કારણ કે દેશ પાસે વિદેશી હૂંડિયામણના ભંડાર પહેલેથી જ તળિયે છે.
પાકિસ્તાનમાં ઈંધણના ભાવમાં 20% નો તોતિંગ વધારો
આર્થિક દબાણને કારણે પાકિસ્તાન સરકારે ઈંધણના ભાવમાં ભારે વધારાની જાહેરાત કરી દીધી છે:
- પેટ્રોલ અને ડીઝલ: પ્રતિ લીટર 55 પાકિસ્તાની રૂપિયા (PKR) નો વધારો કરવામાં આવ્યો છે.
- આ લગભગ 20 ટકા જેટલો વધારો છે, જેના કારણે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વૈકલ્પિક રૂટની શોધમાં પાકિસ્તાન
પેટ્રોલિયમ મંત્રીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ ઈંધણની બચત કરે જેથી હાલનો સ્ટોક વધુ સમય સુધી ચાલી શકે. તેમણે માહિતી આપી કે પાકિસ્તાન અત્યારે ઓમાન, સાઉદી અરેબિયા અને UAE સાથે રાજદ્વારી વાતચીત કરી રહ્યું છે. હોર્મુઝની ખાડી સિવાયના અન્ય વૈકલ્પિક સપ્લાય રૂટ શોધવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે, જેથી LNG અને તેલનો પુરવઠો ખોરવાય નહીં.
નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનની આ મુશ્કેલીઓ ત્યારે જ ઓછી થશે જ્યારે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાશે, પરંતુ હાલના સંજોગોમાં તેની કોઈ શક્યતા દેખાતી નથી.

