ભારતે સિંધુ જળ સંધિ કરી સસ્પેન્ડ: પાણીના ટીપે-ટીપે તરસ્યું પાકિસ્તાન, રાષ્ટ્રપતિ ઝરદારીએ ભારત સમક્ષ લગાવી ગુહાર
22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવતા ઐતિહાસિક ‘સિંધુ જળ સંધિ’ સસ્પેન્ડ કરી દીધી હતી. આ નિર્ણયને કારણે પાકિસ્તાનને મળતું સિંધુ નદીનું પાણી અટકી ગયું છે. સંધિ તૂટ્યા બાદ પાકિસ્તાન અત્યારે ઈતિહાસના સૌથી મોટા જળ સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે તેના અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
પાકિસ્તાન પર પાણીના સંકટની અસર
સિંધુ નદીનું પાણી પાકિસ્તાન માટે જીવનરેખા સમાન છે. ભારત દ્વારા પાણી રોકવામાં આવતા પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં ખેતી લાયક જમીન સુકાઈ રહી છે. પીવાના પાણીની અછતની સાથે સાથે હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ્સ ઠપ થઈ જવાથી દેશમાં વીજળીનું સંકટ પણ ઘેરું બન્યું છે. આર્થિક રીતે પાયમાલ થઈ રહેલા પાકિસ્તાન માટે પાણી વગર ઉદ્યોગો ચલાવવા પણ મુશ્કેલ બની રહ્યા છે.
રાષ્ટ્રપતિ ઝરદારીનું ભારત પર નિશાન અને અપીલ
પાકિસ્તાનની કથળતી સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ભારત પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે પોતાની મુશ્કેલીઓ ગણાવતા કહ્યું કે, ભારત આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને પાણીને હથિયાર તરીકે વાપરી રહ્યું છે. જોકે, નિશાન સાધવાની સાથે જ તેમણે નરમ વલણ અપનાવીને ભારત સરકારને અપીલ કરી છે કે માનવીય ધોરણે આ સંધિને ફરીથી લાગુ કરવામાં આવે જેથી પાકિસ્તાની જનતાને આ સંકટમાંથી ઉગારી શકાય.
ભારતનું કડક વલણ: “લોહી અને પાણી એકસાથે ન વહી શકે”
ભારતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જ્યાં સુધી સરહદ પારથી આતંકી ગતિવિધિઓ બંધ નહીં થાય, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં. પહલગામ હુમલા બાદ ભારતના આ આક્રમક વલણે પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે અને આંતરિક રીતે પણ ઘૂંટણિયે લાવી દીધું છે. ભારતની વ્યૂહરચના હવે સ્પષ્ટ છે કે પાકિસ્તાનને તેની હરકતોની કિંમત ચૂકવવી જ પડશે.

