પાકિસ્તાની ખેલાડીએ હોટલની મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું, PCB લેશે કડક પગલાં
પાકિસ્તાન ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ જાણે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. એકતરફ ટીમ પ્રદર્શનના મામલે ટીકાઓનો સામનો કરી રહી છે, તો બીજી તરફ મેદાનની બહાર ખેલાડીઓની શિસ્તહીનતાએ બોર્ડની ચિંતામાં વધારો કર્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, શ્રીલંકાના કેન્ડીમાં એક પાકિસ્તાની ખેલાડીએ હોટલની મહિલા સ્ટાફ મેમ્બર સાથે ગેરવર્તન કર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
અહેવાલો અનુસાર, આ ઘટના ગત મહિને સુપર-8 રાઉન્ડમાં શ્રીલંકા સામેની છેલ્લી મેચ પહેલા બની હતી. પાકિસ્તાની ટીમ જે હોટલમાં રોકાઈ હતી, ત્યાં ટીમના એક સભ્યએ (જેનું નામ હજુ જાહેર કરાયું નથી) હાઉસકીપિંગ સ્ટાફની મહિલા સાથે કથિત રીતે ખરાબ વર્તન કર્યું હતું. જ્યારે મહિલાએ હોબાળો મચાવ્યો, ત્યારે હોટલના અન્ય કર્મચારીઓએ વચ્ચે આવી સ્થિતિ સંભાળી હતી.
આ મામલો તુરંત જ પાકિસ્તાની ટીમના મેનેજર નવીદ ચીમા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. હોટલના મેનેજમેન્ટે આ બાબતે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, તે સમયે મેનેજર નવીદ ચીમાએ ખેલાડી વતી માફી માંગી હતી અને ખેલાડી પર દંડ ફટકારીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ કેસ હજુ પૂરો થયો નથી અને PCB આ મામલે તપાસ કરી શકે છે.
ખેલાડીઓ પર દંડ અને ખરાબ પ્રદર્શનનો માર
પાકિસ્તાની ટીમ T20 વર્લ્ડ કપ 2026 માં સેમીફાઈનલ સુધી પણ પહોંચી શકી નથી. સતત ત્રણ આઈસીસી (ICC) ઈવેન્ટ્સમાં ફ્લોપ રહ્યા બાદ PCB એ કડક વલણ અપનાવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, ભારત સામેની હાર અને નબળા પ્રદર્શન બદલ ટીમના દરેક ખેલાડી પર 50 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ એ વાતનો સંકેત છે કે બોર્ડ હવે ખેલાડીઓની બેદરકારી ચલાવી લેવાના મૂડમાં નથી.
પાકિસ્તાન ક્રિકેટમાં અરાજકતા: બાબર અને સેમ અયુબ બહાર
હાલમાં પાકિસ્તાન ક્રિકેટ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત દેખાઈ રહ્યું છે. આ મહિનાના અંતમાં ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે, પરંતુ તે પહેલા જ પસંદગી સમિતિએ મોટા નિર્ણયો લીધા છે. વન-ડે ટીમમાંથી બાબર આઝમ અને સેમ અયુબ જેવા દિગ્ગજ ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા છે.

