વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન: PM મોદીએ નવદંપતીને પાઠવ્યો ખાસ પત્ર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અનોખી શુભેચ્છા
સાઉથ સિનેમાના મોસ્ટ ફેવરિટ કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની ચર્ચાઓ અત્યારે સમગ્ર દેશમાં ચાલી રહી છે. ઉદયપુરમાં શાહી અંદાજમાં યોજાઈ રહેલા આ લગ્ન વચ્ચે એક સૌથી ખાસ સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્ટાર કપલને લગ્ન પહેલા જ ખાસ પત્ર લખીને શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો આ પત્ર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે બંને પરિવારોને અભિનંદન આપ્યા છે.
PM મોદીએ પત્રમાં શું લખ્યું?
વડાપ્રધાન મોદીએ વિજય દેવરકોંડાના માતા-પિતા, શ્રીમતી માધવી અને શ્રી ગોવર્ધન રાવ દેવરકોંડાને સંબોધીને આ પત્ર લખ્યો છે. તેમણે લખ્યું, “૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યોજાનાર વિજય અને રશ્મિકાના લગ્નનું નિમંત્રણ કાર્ડ મળીને અત્યંત પ્રસન્નતા થઈ. દેવરકોંડા અને મંદાના પરિવારને આ શુભ અવસર પર હાર્દિક અભિનંદન. વિજય અને રશ્મિકાના જીવનમાં આ એક નવા અને સુંદર અધ્યાયની શરૂઆત છે.”
‘સખા સપ્તપદા ભવ’ – મિત્રતા અને સાથનો સંદેશ
પીએમ મોદીએ પોતાના પત્રમાં સંસ્કૃત શ્લોક **’સખા સપ્તપદા ભવ’**નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સાત ડગલાં સાથે ચાલીને દંપતી જીવનભર માટે મિત્ર બની જાય છે. તેમણે વધુમાં લખ્યું કે, “વિજય અને રશ્મિકાએ ફિલ્મોમાં ઘણા પાત્રો ભજવ્યા છે, પરંતુ તેમની અસલી જિંદગીની આ નવી શરૂઆત સૌથી ખાસ છે. આવનારો સમય તેમના પ્રેમ, સપના અને ખુશીઓથી ભરેલો રહે. તેઓ એકબીજાની જવાબદારીઓ નિભાવે અને હંમેશા સાચા સાથી બનીને સાથે રહે તેવી મારી અનેક શુભકામનાઓ.”
ક્યારે અને ક્યાં છે લગ્ન?
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ૨૬ ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં યોજાઈ રહ્યા છે, જેમાં બંનેના પરિવારજનો અને નજીકના મિત્રો હાજર છે. આજે એટલે કે ૨૫ ફેબ્રુઆરીની રાત્રે આ કપલની ભવ્ય સંગીત સેરેમની યોજાશે. સોશિયલ મીડિયા પર લગ્ની વિધિઓના ફોટા અત્યારથી જ ધૂમ મચાવી રહ્યા છે.

