એપ્રુવલ રેટિંગમાં પણ પીએમ મોદી ટોપ પર, અમેરિકી રાષ્ટ્રપતિ કરતા બમણી છે લોકપ્રિયતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાની દુનિયામાં એક અકલ્પનીય સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. ૨૦૨૬ના ફેબ્રુઆરી મહિનામાં તેઓ ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ (૧૦૦ મિલિયન) થી વધુ ફોલોઅર્સ ધરાવતા વિશ્વના પ્રથમ રાજકીય નેતા બની ગયા છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ પીએમ મોદીની વૈશ્વિક સ્વીકૃતિ અને ખાસ કરીને યુવા પેઢીમાં તેમની જબરદસ્ત પકડનો પુરાવો છે.
ટ્રમ્પ કરતા બમણાથી વધુ ફોલોઅર્સ
વૈશ્વિક નેતાઓની સરખામણી કરીએ તો પીએમ મોદીનું કદ ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણું મોટું દેખાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇન્સ્ટાગ્રામ પર અત્યારે ૪૩.૨ મિલિયન (૪.૩૨ કરોડ) ફોલોઅર્સ છે, જે પીએમ મોદીના આંકડા કરતા અડધાથી પણ ઓછા છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, વિશ્વના અન્ય ટોચના ૫ નેતાઓના ફોલોઅર્સનો જો સરવાળો કરવામાં આવે, તો પણ તે પીએમ મોદીના એકલાના ફોલોઅર્સની સંખ્યા સુધી પહોંચી શકતો નથી.
વિશ્વના અન્ય લોકપ્રિય નેતાઓની સ્થિતિ:
પ્રબોવો સુબિયાન્ટો (ઇન્ડોનેશિયા): ૧૫ મિલિયન
લુઇઝ ઇનાસિયો લુલા (બ્રાઝિલ): ૧૪.૪ મિલિયન
તૈયપ એર્દોગન (તુર્કી): ૧૧.૬ મિલિયન
જાવિઅર મેલા (આર્જેન્ટિના): ૬.૪ મિલિયન
ભારતમાં પણ મોદીનું વર્ચસ્વ અકબંધ
ભારતીય રાજનીતિમાં પણ સોશિયલ મીડિયા પર પીએમ મોદીની ટક્કરમાં કોઈ નથી. તેમના પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૧૬.૧ મિલિયન ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે, જ્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધી ૧૨.૬ મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે. આ આંકડાઓ દર્શાવે છે કે પીએમ મોદીની બ્રાન્ડ વેલ્યુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલી ઊંચી છે.
એપ્રુવલ રેટિંગમાં પણ દુનિયામાં સર્વશ્રેષ્ઠ
પીએમ મોદીની આ લોકપ્રિયતા માત્ર ફોલોઅર્સ પૂરતી સીમિત નથી, પરંતુ લોકોના મંતવ્યોમાં પણ પ્રતિબિંબિત થાય છે. અમેરિકન બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ ‘મોર્નિંગ કન્સલ્ટ’ ના ફેબ્રુઆરી ૨૦૨૬ના ડેટા અનુસાર, પીએમ મોદી ૬૭ ટકા એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
બીજી તરફ, સ્ટેટિસ્ટાના ડિસેમ્બર ૨૦૨૫ના રિપોર્ટમાં તેમનું રેટિંગ ૭૦ ટકા જેટલું ઉંચુ હતું. આ યાદીમાં જાપાનના વડાપ્રધાન સના તાકાઇચી ૬૩ ટકા સાથે બીજા ક્રમે છે. રસપ્રદ વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યાદીમાં ૪૦ થી ૪૩ ટકા રેટિંગ સાથે ૧૧મા સ્થાને ફેંકાઈ ગયા છે.
કેમ વધી રહી છે પીએમ મોદીની લોકપ્રિયતા?
તજજ્ઞો માને છે કે પીએમ મોદીની સોશિયલ મીડિયા રણનીતિ અત્યંત સચોટ છે. તેઓ પોતાના અંગત જીવનની ક્ષણો, વિદેશ પ્રવાસો (જેમ કે હાલનો ઇઝરાયલ પ્રવાસ), અને સામાન્ય લોકો સાથેના સંવાદને ડાયરેક્ટ સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડે છે. ૨૦૧૪ થી શરૂ થયેલી તેમની ઇન્સ્ટાગ્રામની સફર આજે ૧૦ વર્ષ બાદ એક એવા મુકામે પહોંચી છે જ્યાં તેઓ વિશ્વના સૌથી મોટા ‘ડિજિટલ ઇન્ફ્લુએન્સર’ બની ગયા છે.
પીએમ મોદીની આ સિદ્ધિ ભારતની સોફ્ટ પાવરને વિશ્વમાં મજબૂત કરે છે. જ્યારે ભારતનો નેતા વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ અને સૌથી વધુ એપ્રુવલ રેટિંગ ધરાવતો હોય, ત્યારે વૈશ્વિક મંચ પર ભારતની વાત વધુ વજનદાર બને છે.

