PM Modi
PM મોદીના ભૂટાનથી પાછા ફરતા પહેલા, બંને દેશોએ અનેક સમજૂતીના મેમોરેન્ડમ (એમઓયુ)નું આદાન-પ્રદાન કર્યું અને ઊર્જા, વેપાર, ડિજિટલ કનેક્ટિવિટી, અવકાશ અને કૃષિ ક્ષેત્રે કરારો પર હસ્તાક્ષર કર્યા. આ સાથે ભારત અને ભૂટાન વચ્ચે રેલ કનેક્ટિવિટી સ્થાપિત કરવા અંગેના એમઓયુને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભૂટાનની તેમની બે દિવસીય અર્થપૂર્ણ સરકારી મુલાકાત પૂર્ણ કરી. આ દરમિયાન, તેમણે થિમ્પુને વિકાસ કાર્યોમાં ભારતના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી અને આગામી પાંચ વર્ષમાં રૂ. 10,000 કરોડની સહાય આપવાનું વચન આપ્યું. શનિવારે સવારે, મોદીએ ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે સાથે થિમ્પુમાં ભારતના સહયોગથી બનેલી મહિલાઓ અને બાળકો માટે આધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન તોબગે પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને વિદાય આપવા આવ્યા હતા.
મોદીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ભૂતાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક જ્યારે હું દિલ્હી જવા રવાના થઈ રહ્યો છું ત્યારે મને વિદાય આપવા એરપોર્ટ પર આવવાનું મને ગૌરવ છે. મને ભૂટાનના રાજા, વડા પ્રધાન શેરિંગ તોબગે અને ભૂટાનના અન્ય મહાનુભાવોને મળવાની તક મળી. અમારી વાતચીત ભારત-ભૂતાન મિત્રતાને વધુ મજબૂત કરશે. મને ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’થી સન્માનિત કરવા બદલ હું આભારી છું. હું ભૂટાનના અદ્ભુત લોકોનો તેમની હૂંફ અને આતિથ્ય માટે આભારી છું.
ભારત હંમેશા ભૂટાનનો મિત્ર અને ભાગીદાર રહેશે
ભારત હંમેશા ભૂટાનનો વિશ્વાસુ મિત્ર અને ભાગીદાર રહેશે.” ભુતાનના વડા પ્રધાને ‘X’ પર પોસ્ટ કર્યું, ”અમારી મુલાકાત લેવા માટે મારા ભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર. ન તો તેમનું વ્યસ્ત સમયપત્રક, ન તો ખરાબ હવામાન તેમને આપણા દેશની મુલાકાત લેવાનું વચન પૂરું કરતા રોકી શક્યું. આ ચોક્કસપણે મોદીની ગેરંટી લાગે છે!” વડાપ્રધાન મોદીને શુક્રવારે ભુતાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આ સન્માન મેળવનાર અન્ય દેશના (ભૂતાન બહાર) પ્રથમ સરકારના વડા છે. મોદીએ ભૂટાન સરકારની 13મી પંચવર્ષીય યોજના વિશે પણ વાત કરી અને કહ્યું, “અમારો સંપૂર્ણ સમર્થન અને સહયોગ રહેશે.”
ભારત 5 વર્ષમાં ભૂટાનને 10 હજાર કરોડ રૂપિયા આપશે
પીએમ મોદીએ કહ્યું, “ભારત સરકાર આગામી પાંચ વર્ષમાં આ માટે 10,000 કરોડ રૂપિયા આપશે.” તેમણે તેમના ભૂટાની સમકક્ષ સાથેની બેઠક વિશે લખ્યું, “ભૂતાનમાં, વડા પ્રધાન શેરિંગ તોબગે સાથે ફળદાયી વાતચીત થઈ. અમે ભારત-ભૂતાન ભાગીદારીના સમગ્ર રૂપની સમીક્ષા કરી, અને અમારી વિકાસ ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા સંમત થયા.” આ મહિને મોદીની તેમના ભૂટાન સમકક્ષ સાથેની આ બીજી બેઠક હતી. જાન્યુઆરીમાં વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ તોબગેએ તેમની વિદેશ મુલાકાતના ભાગરૂપે ગયા અઠવાડિયે નવી દિલ્હીની મુલાકાત લીધી હતી.