કર્ણાટકમાં ભાજપનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું આજ રોજ નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ફેફસાના કેન્સર સામે લડત આપી રહ્યા હતા. બેંગલુરુના શંકરા હોસ્પિટલના ડાયરેક્ટર નાગરાજના જણાવ્યા પ્રમાણે, ૫૯ વર્ષીય અનંત કુમારે રાત્રે બે વાગ્યે અંતિમ શ્વાસ ભર્યા હતા. તે સમયે તેમની પત્ની તેજસ્વિની અને બંને દીકરીઓ પણ ત્યા હાજર જ હતી. અનંત કુમારના નિઘન પર કર્ણાટક સરકારના રાજ્યમાં ત્રણ દિવસ માટે રાજકીય શોકની જાહેરાત કરી છે.
અમેરિકા અને બ્રિટનમાં કેન્સરનો ઉપચાર કરાવ્યા બાદ તેઓ તાજેતરમાં જ બેંગલુરુ પાછા ફર્યા હતા. જ્યારબાદ શંકરા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ભારતીય જનતા પાર્ટીએ નિવેદન આપતા જણાવ્યુ કે, અનંત કુમારને કેન્સર હતું જેનું ઈન્ફેક્શન વધી જતા તેમનું નિધન થયું છે. પાર્ટીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેમને આઈસીયુમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખ્યા હતા.