લાલુ પ્રારસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પત્ની એશ્વર્યા સાથે છૂટાછેડાની માંગ કરી હતી. આજ રોજ તેમણે એવું કબુલ્યું હતું કે તેમને ઐશ્વર્યાથી લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ જ હું દબાણ અનુભવતો હતો. આ લગ્ન મારી મરજીની વિરુદ્ધ હતાં. હું ડરી-ડરીને જીવવા નથી માગતો અને એનો કોઈ ફાયદો પણ નથી, એમ તેમણે કહ્યું હતું. શુક્રવારે તેજપ્રતાપે પટના સિવિલ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તેજપ્રતાપ અને ઐશ્વર્યાનાં લગ્નને હજી માત્ર છ મહિના જ થયા છે, પણ કેટલાક સમયથી બંને વચ્ચે કશું બરાબર નહોતું ચાલતું.
સિવિલ કોર્ટમાં અરજી કર્યા પછી તેજપ્રતાપ રાંચી માટે રવાના થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહેનારા તેજ પ્રતાપ યાદવે છૂટાછેડા કરતાં પહેલાં તેમના ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી લગ્નના બધા ફોટો ડિલીટ કરી નાખ્યા હતા.