ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે જ કેટલાક મુદ્દાઓ બિલાડીના ટોપની જેમ ઉગી નઈકળે છે, અને ચૂંટણીઓ પૂરી થતાં જ અદૃશ્ય થઈ જાય છે. ગુજરાતમાં પાટીદાર પાવરની અત્યારે ચર્ચા થઈ રહી છે, પરંતુ રાજ્યમાં પટેલોથી જ જ્ઞાતિ-સમાજ આધારિત રાજકીય વ્યૂહ ઘડાતા રહ્યા છે. માધવસિંહ સોલંકીની ‘ખામ’ થીયરી મુજબ ક્ષત્રિય, આદિવાસી, લઘુમતી વર્ગોને એકજુથ કરાયા હતાં, અને તે સમયે પાટીદાર પાવર સિફ્ટ થયો હતો. એ પછી ગુજરાત જનતા દળનો ઉદય પણ થયો અને અસ્ત પણ થયો. ગુજરાતમાં જ્ઞાતિ-સમાજ આધારિત રાજકીય સમૂહનો પ્રભાવ તો પહેલેથી જ રહ્યો છે. ગુજરાત રાજ્યની રચના પછી અને કટોકટી પહેલા ગુજરાતમાં તમામ વિપક્ષોએ કોંગ્રેસ સામે એકજુથ થઈને જનતા મોરચો રચ્યો, તે પછી કટોકટી પછી દેશમાં સત્તાપરિવર્તન થયું હતું, પરંતુ જનતા પાર્ટીની મોરારજી સરકારના પતન પછી ૧૯૮૦ ના સમયગાળામાં દેશભરમાં કોંગ્રેસનો પુનરોદય થયો, અને તે પછીના દાયકામાં ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકારો રચાઈ હતી.
વર્ષ ૧૯૯ર પછી દેશમાં ફરી પરિવર્તનનો વાયરો ફૂંકાવાની શરૃઆત થઈ અને વર્ષ ૧૯૯પ ના સમયગાળામાં ગુજરાતમાં કેશુબાપાની ભાજપની સરકાર રચાઈ, પરંતુ શંકરસિંહ વાઘેલાના બળવા પછી તે સરકાર તૂટી રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) ના શાસન પછી ટૂંકા સમયગાળા માટે ટેકાધારી સરકારો રચાઈ હતી, અને પૂનઃ કેશુબાપાની સરકાર પણ રચાઈ હતી, પરંતુ ભૂકંપ પછી કેશુભાઈને ખસેડીને ભાજપે નરેન્દ્રભાઈ મોદીને રાજ્યનું સૂકાન સોંપ્યું હતું. વર્ષ ર૦૧૪ માં વડાપ્રધાનપદના ઉમેદવાર બન્યા પછી તેઓ જીત્યા, અને દેશનું સૂકાન સંભાળ્યું, અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બન્યા.
આ તમામ સમયગાળાઓમાં જ્ઞાતિ-સમાજ આધારિત રાજકારણ રચાતું રહ્યું હતું, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં સમીકરણો થોડા બદલાયા હતાં અને અભિગમો પણ બદલાયા હતાં. તે પછી પાટીદાર અનામત આંદોલને ગુજરાતમાં ભાજપના શાસનનું શાસન ડોલાવ્યું, પરંતુ વર્ષ ર૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં ગમે તેમ કરીને ભાજપ ૯૯ બેઠકો મેળવી લીધી, જો કે તે પહેલાના કાર્યકાળમાં ભાજપ પાસે ૧૧પ બેઠકો હતી. પાટીદાર આંદોનના ફેક્ટરે એટલી અસર કરી કે ભાજપે માંડ માંડ સત્તા ટકાવી રાખી, અને તે પછી કેવી રીતે ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધતી રહી, તે સૌ કોઈની સામે જ છે.
હવે વર્ષ ર૦રર ની ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષ બન્યા પછી આમ આદમી પાર્ટી જોરમાં છે, અને વિધાનસભાની ચૂંટણીમાં ફતેહ મેળવવા તલપાપડ છે, પરંતુ તે માટે પાટીદાર પાવર પર આધાર રાખવો પડે તેમ છે. નરેશભાઈ પટેલના ‘મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ’ તેવા નિવેદન પછી ભાજપે બે કેન્દ્રિય પાટીદાર મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા. જનસમર્થન યાત્રાઓ, ન્યાય યાત્રાઓ અને આમ આદમી પાર્ટીની આંતરિક રીતે ગુપચૂપ ચાલી રહેલી ગોઠવણીઓ હકીકતે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જ છે!
કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ‘પાટીદાર એટલે ભાજપ’ તેવું નિવેદન કર્યું, જેને નરેશભાઈ પટેલે તો નકાર્યું, પરંતુ એક સમયે પાટીદાર પાવરના હિમાયતી રહેલા યુવા નેતા અને હવે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ‘સર્વસમાજ સમભાવ’નો સંદેશ આપતું નિવેદન કર્યું, તે જોતાં આગામી વિધાનસભાની ચૂંટણી ઘણાં સમિકરણો બદલી નાંખશે તેમ જણાય છે.
એવો સવાલ ઊઠી રહ્યો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કીંગ બનશે કે કીંગમેકર બનશે? જો ગુજરાતની અત્યાર સુધીની રાજનીતિની વાત કરીએ તો ૧૯૯૦ ના દાયકામાં ગુજરાતમાં ‘કિસાન મજદૂર લોક પક્ષ’નો પ્રયોગ થયો, તે પછી જનતાદળ (ગુ) ની ભાજપ સાથે સહિયારી સરકાર રચાઈ. આ બન્ને પ્રાદેશિક પક્ષો રચનાર ચીમનભાઈ પટેલ જ છેવટે પૂનઃ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં. તે પછી શંકરસિંહ વાઘેલાએ રાજપાની રચના કરી, અને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા, પણ લાંબુ ચાલ્યું નહીં. તે પછી તેઓએ જનવિકલ્પ પાર્ટી બનાવી, એનસીપીમાં ગયા અને હવે ફરીથી કોંગ્રેસમાં જોડાશે, તેવી વાતો ચાલી રહી છે.
તે પછી ભાજપથી રિસાયેલા કેશુબાપાએ ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી, પણ કારી ફાવી નહીં. ગુજરાતમાં આ પહેલા એનસીપી, બીએસપી, સપા, જેડીયુ, શિવસેના વગેરે પાર્ટીઓ પણ ઉમેદવારો ઊભા કરતી રહી છે, પરંતુ આ તમામ પ્રયોગો નિષ્ફળ ગયા છે.
હવે જો પાટીદાર સમાજ પૂરેપૂરો આમ આદમી પાર્ટી તરફ ઢળી જાય અને અન્ય સમાજોનો ટેકો મળે તો દિલ્હીની જેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ શકે. તે ઉપરાંત સુરત મનપાની જેમ વધુ બેઠકો મેળવીને મુખ્ય વિપક્ષ અથવા કીંગમેકર બની શકે. અત્યારે તો વિવેચકો મોટાભાગે એવું જણાવી રહ્યા છે કે ‘આપ’ કોંગ્રેસના મતો બહુ કાપશે, તો ‘આપ’ ભાજપ માટે કીંગ મેકર પૂરવાર થશે!