દિલ્હીનાં શાહિન બાગ ફાયરિંગ મામલે મોટો ખુલાસો થયો છે, પોલીસની પુછપરછમાં જાણ થઇ છે કે શાહીન બાગમાં તાજેતરમાં ફાયરિંગ કરનારો શખસ કપિલ ગુર્જર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, કપિલે જણાવ્યું કે તેણે અને તેના પિતાએ વર્ષ 2019ની શરૂઆતનાં મહિનાઓમાં આમ આદમી પાર્ટીનું સભ્ય પદ મેળવ્યું હતું.
કપિલ ગુર્જરનાં આ નિવેદનને દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અદાલતમાં જણાવી ચુકી છે, કપિલ ગુર્જરનાં મોબાઇલ ફોનથી આ વાતનો ખુલાસો થયો છે.
ક્રાઇમ બ્રાંચને કપિલ ગુર્જરનાં મોબાઇલમાંથી કેટલાક ફોટા મળ્યા છે, આ ફોટામાં આરોપી કપિલ ગુર્જર અને તેના પિતા ગજે સિંહ આમ આદમી પાર્ટીનાં નેતા આનિશી, સાંસદ સંજય સિંહ જોવા મળે છે.
કપિલ ગુર્જરનાં પિતા ગજે સિંહ દિલ્હીમાં ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની સાથે પણ તસવીરોમાં નજરે પડે છે, લગભગ એક વર્ષ પહેલા 2019નાં આ ફોટોમાં કપિલ ગુર્જર આમ આદમી પાર્ટીનું સભ્યપદ લેતા નજરે પડે છે,એ સમયે કપિલ અને તેના પિતાની સાથે કપિલનાં લગભગ એક ડઝનથી વધું સમર્થકોએ પણ આમ આદમી પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું.
ક્રાઇમ બ્રાંચનાં ડીસીપી રાજેશ દેવએ કહ્યું કે પોતાની શરૂઆતની તપાસમાં અમને કપિલનાં ફોનમાંથી કેટલીક તસવીરો મળી જાય છે જે બતાવે છે કે કપિલ અને તેના પિતા એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં, આ પહેલા તેણે આ વાતનો ખુલાસો પણ કર્યો છે, અમે તેનાં બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે.