સુરત કોંગ્રેસમાં હાલ હોદ્દાઓની વહેંચણીને લઈ વિવાદ ઉભો થતાં બાર બાવાને તેર ચોકા જેવો ઘાટ સર્જાણો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે નવા હોદ્દેદારોના લિસ્ટની અમદાવાદથી જાહેરાત થતાંવેંત જ સુરતમાં ભડાકો થયો. જવાહર ઉપાધ્યાયના જૂથના 10થી 12 જેટલા હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધા.
સુરત કોંગ્રેસમાં અંદરો-અંદર બાખડી રહેલા લોકો કોના છે? આ સવાલ ઘણા બધા પૂછી રહ્યા છે. શું ખરેખર હોદ્દાની જ લડાઈ છે કે પછી પ્રદેશની લડાઈને સુરતમાં એપિ સેન્ટર બનાવીને લડવામાં આવી રહી છે. મુદ્દો સ્પષ્ટ છે કે પ્રદેશમાં પણ અર્જુન મોઢવડીયાના ઘણા બધા માણસો કપાયા હતા તો તેવી જ રીતે સુરતમાં જવાહર જૂથના માણસોને પણ કાપી નાંખવામાં આવ્યા છે. પરંતુ સુરત કોંગ્રેસમાં જવાહર જૂથના માણસોની યાદી પ્રદેશમાં મંજુર કરવામાં આવી હતી અને તે માટે સુરત કોંગ્રેસના પ્રમુખને જાણ પણ કરવામાં આવી ન હતી. તો નામો જાહેર થયા બાદ વિરોધનો વંટોળ શા માટે ઉભો થયો છે. તે પ્રશ્ન કોંગ્રેસીઓ પૂછી રહ્યા છે.
જવાહર ઉપાધ્યાય હાલ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઓફીસ સંભાળીને બેઠાં છે. પરેશ ધાનાણી પણ અહેમદ પટેલના ચૂસ્ત સમર્થક મનાય છે. જ્યારે જવાહર ઉપાધ્યાય પ્રદેશ લેવલ પર અર્જુન મોઢવડીયા સાથે ચાલે છે અને અર્જુન મોઢવડીયા અહેમદ પટેલના વિશ્વાસુ મનાય છે. આ ઉપરાંત જવાહર ઉપાધ્યાયની બ્રીફ લેનારામાં વલસાડ કોંગ્રેસના સર્વેસર્વા ગૌરવ પંડ્યા પણ છે. ગૌરવ પંડ્યા પણ અહેમદ પટેલના ખાસમ ખાસ છે.
હવે સુરત કોંગ્રેસ પર નજર માંડીએ તો વર્તમાન પ્રમુખ બાબુ રાયકા કોંગ્રેસના જ નેતા કદીર પીરઝાદા સાથે ચાલે છે અને કદીર પીરઝાદાની અહેમદ પટેલ સાથે વર્ષો જૂની ભાઈબંઘી રહેલી છે. કદીર પીરઝાદાની સુરત કોંગ્રેસ પેઢી હોવાનો આક્ષેપ કરી સુરતમાં કપાયેલા લોકોએ ઉધામા મચાવ્યા પણ એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કે બધા જ નેતાઓ સીધી રીતે અહેમદ પટેલના વિશ્વાસુ અને વફાદાર છે. એક પણ નેતા અહેમદ પટેલને પૂછ્યા વગર કશું પણ કરી શકે એમ નથી.
લોકસભાની ચૂંટણીની આડે ગણતરીના દિવસો છે ત્યારે અહેમદ પટેલના વફાદારો અંદરો-અંદર લડી રહ્યા છે, બેફામ નિવેદનો અને સોશિયલ મીડિયામાં એકબીજાની જાંઘ ખુલ્લી કરી રહ્યા છે ત્યારે સહેજેય પ્રશ્ન થાય છે કે અહેમદ પટેલ આ સ્થિતિને થાળે પાડવામાં કેમ કશું કરી રહ્યા નથી. અહેમદ પટેલના એક ફોન પર બધું શાંત થઈ શકે તેમ છે ત્યારે કદીર પીરઝાદા, જવાહર ઉપાધ્યાય વગેરે, વગેરે પર બરફની લાદી મૂકવામાં વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે. ટાબરીયાઓની ઉછળકૂદ પર લગામ કસવામાં આવી રહી નથી અને દિવસે દિવસે સુરત કોંગ્રેસ વધુને વધુ ગર્તામાં ધેકલાતી હોવાનું જણાઈ આવી રહ્યું છે.
સુરત કોંગ્રેસમાં હાલ જે લોકો વિરોધનો ઝંડો લઈને ચાલી રહ્યા છે તેમને પણ ભૂતકાળમાં અનેક પ્રકારની મનમાની કરી છે અને તેનો કોઈ પણ ઈન્કાર કરી શકે તેમ નથી. અહેમદ પટેલના વફાદારો અંદરો-અંદર બાખડી રહ્યા છે અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તમાશો જોઈ રહ્યા છે. તુષાર ચૌધરી આવ્યા અને ગયા પણ તેમણે સુરત કોંગ્રેસના પ્રમુખ સામે એક શબ્દ બોલ્યો નહીં. કાર્યકરો પણ શેરી અને મહોલ્લામાં બરાબરના બાખડી રહ્યા છે અને નેતાઓ તમાશો જોઈ રહ્યા છે. અહેમદ પટેલના સીધી લીટીના વફાદારો આમ કાંઈ પહેલી વખત લડી રહ્યા નથી. વારેછાશવારે સુરત કોંગ્રેસની જૂથબંધી મીડિયા માટે તડાકો બનતી રહી છે અને હજી બનતી રહેશે, એવું લાગે છે.