સુરત કોંગેસ અંગે સોશિયલ મીડિયામાં રાજીનામાના ચાલેલા સિલસિલામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાને સ્થિતિને થાળે પાડવા માટે ફરમાન જારી કર્યું છે. સુરત કોંગ્રેસમાં જવાહર જૂથના હોદ્દેદારોએ રાજીનામા આપી દેતા વિવાદ ઉભો થયો હતો. જોકે, બાબુ રાયકાએ કહ્યું છે કે આજદિન સુધી તેમની પાસે કોઈનું પણ રાજીનામું આવ્યું નથી, અને આ બધી જાણકારી સોશિયલ મીડિયા પર જ વધુ ચાલી રહી છે.
કોંગ્રેસ વર્તુળો મુજબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સુરત કોંગ્રેસને જાણ કરી છે સંગઠનનાં વિવાદને વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવામાં આવે. એવું કહેવાય છે કે દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પદેથી રાજીનામું આપનારા સંજય પટવા અને કામરાન ઉસ્માની સાથે બાબુ રાયકાએ વાત કરી તેમની મુશ્કેલી અને તકલીફો વિશે જાત માહિતી મેળવી હતી. બાબુ રાયકાએ બન્ને નેતાઓને તેમની તકલીફ દુર કરવાની ખાતરી આપી હતી.
જ્યારે બીજી તરફ જવાહર ઉપાધ્યાય અંગે હજુ પણ સુરત કોંગ્રેસમાં પ્રશ્નાર્થ સર્જીઈ રહ્યા છે. અમદાવાદમાં જવાહર ઉપાધ્યાયના ગોડફાધર અર્જુન મોઢવડીયાએ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી સામે મોરચો માંડ્યો છે તો સુરતમાં તેમના શિષ્ય જવાહર ઉપાધ્યાયે બાબુ રાયકા-કદીર પીરઝાદા વિરુદ્વ મોરચો માંડ્યો છે. પ્રદેશ કોંગ્રેસની લડાઈ સુરતમાં બરાબરની જામેલી હોવાનું જણાય છે. જવાહર ઉપાધ્યાયે સોશિયલ મીડિયામાં જારી કરેલા પત્રમાં કહ્યું છે કે સુરત કોંગ્રેસના સંગઠન અંગે અમિત ચાવડાની રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પ્રતિભાવ આપવામાં આવી ન હતો, જેથી કરીને જાહેર કરાયેલું સુરત કોંગ્રેસનું નવું માળખું નિરાશાજનક છે અને તેમાં હું કામ કરી શકું એમ નથી. સુરત કોંગ્રેસની કોર કમિટીમાં કરવામાં આવેલી નિમણૂંકને રદ્દબાતલ કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
સુરત કોંગ્રેસની સ્થિતિ થાળે પાડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ જવાહર ઉપાધ્યાય પોતાનીા વલણ પર મક્કમ હોવાથી સુરત કોંગ્રેસનું કોકડું વધુ ગૂંચવાયું છે. બાબુ રાયકાએ પ્રદેશને જવાહર ઉપાધ્યાયના વલણ અંગે જાણકારી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આખી લડાઈની ભીતરમાં સુરત કોંગ્રેસના સંગઠનમાંથી જવાહર ઉપાધ્યાયના કાર્યકરોની બાદબાકી કરી નાંખવામાં આવી હોવાનો વિવાદ છે.