છત્તીસગઢમાં ભાજપના પંદર વર્ષના શાસનકાળનો અંત આણનાર છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભૂપેશ બાઘેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભૂપેશ બાઘેલની જાહેરાત છત્તીસગઢના નિરીક્ષક મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી. આવતીકાલે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
ભૂપેશ બાઘેલ હાલ છત્તીસગઢ કોંગ્રેસના પ્રમુખ છે. સીએમ પદ માટે તેઓ ફ્રન્ટ રનર હતા. બાઘેલ ચોથી વખત ચૂંટાઈ આવ્યા છે. તેઓ 1980થી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ યુવક કોંગ્રેસમાં સક્રીય હતા. જ્યારે છત્તીસગઢ બન્યું ન હતું ત્યારે મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહ સરકારમાં મંત્રી તરીકે કાર્યરત હતા. ત્યાર બાદ અજીત જોગીની સરકારમાં પણ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
2013માં માઓવાદીઓના હૂમલામાં આખીય કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી ત્યાર બાદ ભૂપેશ બાઘેલે કોંગ્રેસને છત્તીસગઢમાં જીવંતદાન આપ્યું અને કોંગ્રેસને ફરી બેઠી કરી. પણ તેમનો નેગેટીવ પોઈન્ટ એ છે કે કોંગ્રેસ પાર્ટીમાં તેઓ પોપ્યુલર નથી પણ લોકોમાં ખાસ્સા લોકપ્રિય છે. તેઓ સેક્સ સીડી સ્કેન્ડલમાં પણ વિવાદે ચઢી ચૂક્યા છે.
ધારાસભ્યો સાથે મીટીંગ બાદ રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ ડો.ચંદન યાદવ અને ડો.અરુણ ઉરાંવ અને છત્તીસગઢ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન ચરણદાસ મહંત વગેરેની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી.