ગયા નાણાકીય વર્ષમાં અન્ય રાષ્ટ્રીય પક્ષોની તુલનામાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) ને 12 ગણું એટલે કે 437 કરોડ કરતા પણ વધારે રાજકીય ભંડોળ મળ્યું છે. ચૂંટણી સુધારણાના મુદ્દા પર કામ કરતા બિન-સરકારી સંગઠન, એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મેશન (ADR) એ બુધવારે પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં આ માહિતી આપી છે. વર્ષ 2017-18 માં રાજકીય પક્ષોને 469.89 કરોડ મળ્યા છે. આમાંથી, ભાજપને 437.04 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે કોંગ્રેસને 26.65 કરોડ જ મળી શક્યા છે.
ભાજપ અને કૉંગ્રેસને ‘પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ’માંથી સૌથી વધુ ફંડ મળ્યું છે. આ એક મોટી કોર્પોરેટ કંપની છે. આ કંપનીમાં ASET અને ટેલિકોમ ક્ષેત્ર સાથે સંકળાયેલી મોટી કંપનીઓ શામેલ છે. પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપ અને કોંગ્રેસને રૂ. 164.30 કરોડનું ફંડ કર્યું છે. આમાંથી ભાજપને રૂ. 154.30 કરોડ મળ્યા છે, જે કુલ ભંડોળમાંથી 35 ટકા થવા જાય છે.
કોંગ્રેસના ભાગે દસ કરોડ જ આવ્યા છે. ADRએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ભાજપ દ્વારા જે ફંડની જાહેરાત કરવામાં આવી છે તે ફંડ કોંગ્રેસ, એનસીપી, સીપીઆઇ, સીપીઆઈ (એમ) અને તૃણમૂલ કૉંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા કુલ ફંડ કરતા 12 ગણું વધારે છે.
કૉર્પોરેટ હાઉસમાંથી ભાજપને કુલ રૂ. 400.23 કરોડ મળ્યા હતા અને કોંગ્રેસને 2017-18માં ફક્ત 19.29 કરોડ રૂપિયા મળ્યા હતા. ADRએ જણાવ્યું કે રાજકીય પક્ષોને 90 ટકા ફંડ કોર્પોરેટ હાઉસમાંથી મળ્યું છે અને બાકીના 10 ટકા વ્યક્તિગત રીતે મળ્યું છે.
બહુજન સમાજ પાર્ટી (બીએસપી) એ જાહેરાત કરી છે કે તેને 2017-18 દરમિયાન રૂ .20,000થી વધારે કોઈ ફંડ મળ્યું નથી. બીએસપીએ છેલ્લા 12 વર્ષથી આવા જ પ્રકારની જાહેરાત કરી છે.
જાહેર રાજકીય ફંડના આશરે અડધા એટલે કે 208.56 કરોડ દિલ્હીથી આવ્યા છે. ત્યાર બાદ મહારાષ્ટ્રથી રૂ. 71.93 કરોડ અને રૂ .44.02 કરોડથી ગુજરાત આવ્યા છે. ADRએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે કુલ રાજકીય ફંડ પૈકી 42.60 કરોડ રૂપિયા એટલે કે લગભગ 9 .07 ટકા ફંડ અંગે અધુરી જાણકારી મળી હોવાથી તે સુનિશ્ચિત કરી શકાયું નથી કે આ ફંડ ક્યા રાજ્યમાંથી આવ્યું છે.