ગુજરાતમાં ફરી એક વાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જસદણમા ખરાખરીનો ખેલ જોવા મળવાનો છે. કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ મંત્રી બનતા જસદણની પેટાચૂંટણી આવી રહી છે. જસદણની પેટાચૂંટણીમાં જાણે કોઈ કિલ્લો સર કરવાનો હોય તે રીતે ભાજપે પંદરથી વધુ નેતાઓની ફોજને જસદણમાં અત્યારથી જ તૈનાત કરી દીધી છે.
1962થી જસદણમાં વિધાનસભાની કુલ મળી 14 વખત 2017 સુધી ચૂંટણી થઇ જેમાં ધારાસભ્ય તરીકે અત્યાર સુધીમાં સાત વખત કોળી જ્ઞાતિના ઉમેદવારએ મેદાન માર્યુ છે અને 2017ની ચૂંટણીનું પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવ્યું હતું. પણ કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. બાવળીયાએ ભાજપ જોઈન કરતા તેમની વિરુદ્વમાં મોટાપાયા પર દેખાવો થયા હતા અને કોંગ્રેસ તેમને પાર્ટીના ગદ્દાર ગણાવ્યા હતા.
હવે પેટાચૂંટણી આવી રહી છે. ભાજપમા ખળભળાટ છે કે રખેને બાવળીયા હારી જાય તો ભાજપનું નાક કપાઈ જાય અને કુંવરજીની રાજકીય કરીયર પર પણ પ્રશ્નાર્થ મૂકાઈ જાય. એટલે ભાજપે એક નહી પણ પંદરથી વધુ નેતાઓની ફોજ બાવળીયાને જીતાડવામાં અત્યારથી જ જોતરી દીધી છે.
કંવરજીના ભાજપ પ્રવેશને લઈ પાર્ટીમાં ખાસ્સો વિરોધ છે. આ વિરોધના પરિણામ સ્વરૂપ જ ભાજપ કોઈ ચાન્સ લેવા માગતો નથી. ભાજપે ગુજરાત સરકારને બે મંત્રીઓ સૌરભ પટેલ અને જયેશ રાદડીયાને જસદણની વિશેષ જવાબદારી સોંપી છે. આ બન્ને મંત્રીઓની સાથે ઉપરાંત મોહન કુંડરિયા , દબંગ નેતા હીરા સોલંકી, જયંતિ કવાડિયા, કિરીટ સિંહ રાણા, બાબુભાઈ જેબલિયા, ગોવિંદ ભાઈ પટેલ, આર. સી. મકવાણા , નીતિન ભારદ્વાજ, રમેશ મગર , અમોહ શાહ, જયંતિ ઢોલ , ભરત બોધરા અને પ્રકાશ સોનીને જવાબદારી આપવામાં આવી છે.