મુખ્ય ચૂંટણી કમિશનરે ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવાના સંકેતો આપ્યા છે, એ પહેલાં જ ગુરુવારે રાત્રે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે પોતાના ૧૫ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેતાં દેશભરમાં રાજકીય ગરમાટો આવ્યો છે.
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ગુજરાતની ચાર અને ઉત્તર પ્રદેશની૧૧ બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. યાદીમાં જણાવ્યા મુજબ સોનિયા ગાંધી રાયબરેલી અને રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાનાં છે. જોકે પ્રિયંકા ગાંધીનું નામ હજી ઉમેદવાર તરીકે જાહેર થયું નથી.અખિલેશ-માયાનાં ગઠબંધનને ફટકો, ઉત્તર પ્રદેશમાં બધી જ સીટો પર ઉમેદવાર ઉતારવાના સંકેતો કોંગ્રેસે આપી દીધા.
કોંગ્રેસ દ્વારા જાહેર થયેલી ૧૫ ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાતની ચાર બેઠકનો સમાવેશ થાય છે. અમદાવાદ-પશ્ચિમ બેઠક પર રાજુ પરમારને ટિકિટ આપવામાં આવી છે. આ અનામત બેઠક છે. આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી ઝુકાવશે, વડોદરાની બેઠક પર પ્રશાંત પટેલ અને છોટા ઉદેપુર બેઠક પર પક્ષે રણજિત મોહનસિંહ રાઠવાને ટિકિટ આપી છે. છોટા ઉદયપુર પણ અનામત બેઠક છે.
ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો રાહુલ અને સોનિયા ઉપરાંત સહારનપુરથી ઇમરાન મસૂદ અને બદાયૂંથી સલીમ ઇકબાલ શેરવાનીને પક્ષે ટિકિટ આપી છે. ધૌરહાર બેઠક માટે જિતિનપ્રસાદ, ઉન્નાસ બેઠક માટે અન્નુ ટંડનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ વિદેશપ્રધાન સલમાન ખુરશીદ પોતાની પરંપરાગત ફરૂખાબાદ બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે. કોંગ્રેસે અકબરપુરથી રાજારામ પાલ, જાલૌનથી વૃજલાલ ખબરી, ફૈઝાબાદથી નિર્મલ ખતરી અને કુશીનગરથીઆર. પી. એન. સિંહને ઉમેદવાર જાહેર કર્યા છે. જાલૌન પણ અનામત બેઠક છે.