લોકસભામાં વિપક્ષ પાર્ટી કોંગ્રેસે 71માં પ્રજાસત્તાક દિવસના અવસરે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંધારણની કોપી મોકલી છે. કોંગ્રેસે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, જો તેમને (PM મોદી) ‘દેશના વિભાજન‘માંથી સમય મળી જાય તો આને વાંચે. કોંગ્રેસે બંધારણની કોપી ઈ-કૉમર્સ વેબસાઈટ અમેઝોન પરથી મોકલી છે. કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ રોહન ગુપ્તાએ જણાવ્યું કે, અમેઝોન મારફતે વડાપ્રધાનને બંધારણની કોપી મોકલવામાં આવી છે.
કોંગ્રેસે વડાપ્રધાનને બંધારણની કોપી મોકલવાની રિસિપ્ટ શેર કરતા ટ્વીટ કર્યું છે કે, પ્રિયા પ્રધાનમંત્રી, ટૂંક સમયમાં તમારી પાસે બંધારણની કોપી પહોંચી રહી છે. તમને દેશના ભાગલા પાડવામાંથી સમય મળે, તો મહેરબાની કરીને તેને વાંચશો. કોંગ્રેસે CAAને લઈને ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપ હજુ સૂધી સમજી નથી શકી કે, તમામ નાગરિકોને બંધારણના આર્ટીકલ 14 અંતર્ગત સમાનતાનો અધિકાર પ્રાપ્ત છે. CAAમાં આ કાયદાનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અગાઉ પાર્ટીના પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાએ પણ આ પ્રકારનું જ ટ્વીટ કર્યું હતું.